ગુજરાતમાં દારૂબંધી છતાં સરકારને ૯૪ લાખની આવક, જાણો કેવી રીતે શક્ય બન્યું
પેટા હેડલાઇન: ગિફ્ટ સિટીમાં અપાયેલી છૂટથી સરકારને મળી આવક, ૩ મહિનામાં લાખો લિટર દારૂનું વેચાણ.

Gujarat liquor revenue 2025: ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાતા ગુજરાતમાં દારૂનું ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ છે. પરંતુ તાજેતરમાં સામે આવેલી માહિતી અનુસાર, રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩માં ગિફ્ટ સિટી માટે આ નિયમમાં કેટલીક છૂટછાટ આપી હતી, જેના પરિણામે સરકારને લાખો રૂપિયાની આવક થઈ છે.
ગુજરાત સરકારને ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી)માં દારૂના વેચાણથી રૂ. ૯૪.૧૯ લાખની આવક થઈ છે. હકીકતમાં, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં, ૩૦ ડિસેમ્બર, ૨૦૨૩થી ગિફ્ટ સિટીમાં દારૂના વપરાશને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે (૨૪ માર્ચ, ૨૦૨૫) ગુજરાત વિધાનસભામાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં ગિફ્ટ સિટીમાં ૩,૩૨૪ બલ્ક લિટર સ્પિરિટ, ૪૭૦ બલ્ક લિટર વાઇન અને ૧૯,૯૧૫ બલ્ક લિટર બિયરનું વેચાણ થયું છે.
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ગિફ્ટ સિટીમાં દારૂ વેચવા માટે બે કંપનીઓને લાઇસન્સ આપવામાં આવ્યા છે. જેમાં વેસ્ટ ઇન્ડિયા રિક્રિએશન પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને ૯ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અને ગ્રાન્ડ મર્ક્યુરીને ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ લાઇસન્સ મળ્યું છે.
ગુજરાતમાં વર્ષ ૧૯૬૦થી દારૂબંધી અમલમાં છે. જો કે, સરકારે ગિફ્ટ સિટીને એક વૈશ્વિક બિઝનેસ ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવા માટે આ પ્રતિબંધમાં કેટલીક છૂટછાટ આપી છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારો અને ટેક્નોલોજી નિષ્ણાતોને આકર્ષવાનું અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કંપનીઓને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું છે.
ગિફ્ટ સિટીમાં દારૂના વપરાશ માટે કેટલાક નવા નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જેના અનુસાર, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ક્લબોને 'વાઇન એન્ડ ડાઇન' સુવિધાઓ માટે લાઇસન્સ મળી શકશે. પરંતુ દારૂની બોટલોના છૂટક વેચાણ પર પ્રતિબંધ યથાવત રહેશે. આ ઉપરાંત, બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં કામ કરતી કંપનીઓના કર્મચારીઓ અને માલિકોને દારૂની પરમિટ મળશે. ગુજરાતમાં બહારથી આવતા લોકોને પણ કામચલાઉ પરમિટ પર દારૂ ખરીદવાની છૂટ આપવામાં આવશે. સરકારની આ નીતિને ગિફ્ટ સિટીમાં રોકાણકારોને આકર્ષવા માટે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, રાજ્યમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા માટે SMC દ્વારા વર્ષ 2024માં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. જાન્યુઆરીથી ડિસેમ્બર 2024 દરમિયાન SMC દ્વારા રાજ્યમાં કુલ 455 કેસ કરવામાં આવ્યા હતા. આ કેસોમાં કુલ 22.51 કરોડ રૂપિયાનો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો અને કુલ 51.93 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
વર્ષ 2024 માં ચાર મેટ્રો શહેરોમાંથી વડોદરા શહેરમાંથી સૌથી વધુ દારૂ પકડાયો હતો. આ ઉપરાંત, વડોદરા ગ્રામ્ય, મહેસાણા, ગોધરા, સુરત ગ્રામ્ય, નવસારી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં પણ 1 કરોડથી વધુની કિંમતનો દારૂનો જથ્થો પકડાયો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
