ગુજરાતનો પ્રથમ રબર ડેમ છોટાઉદેપુરમાં આકાર લેશે, ૬૦ ગામોને થશે ફાયદો, જાણો આ ડેમની ખાસિયત
બોડેલીના રાજવાસણા ખાતે ૧૨૮ કરોડના ખર્ચે બનશે આધુનિક ડેમ, નવી ટેકનોલોજીથી પાણીનો સંગ્રહ અને નિકાલ થશે સરળ.

Gujarat first rubber dam: ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામે રાજ્યનો પ્રથમ રબર ડેમ આકાર લેવા જઈ રહ્યો છે. હિરણ નદી પર આધુનિક ટેકનોલોજીથી બનનારા આ ડેમ માટે રાજ્ય સરકારે રૂ. 100 કરોડ મંજૂર કર્યા છે, જ્યારે કેનાલ માટે વધારાના રૂ. 28 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી આસપાસના લગભગ ૬૦ ગામોને પીવાના પાણી અને સિંચાઈ માટે મોટો ફાયદો થશે.
આ ડેમની ખાસિયત એ છે કે તે નવી ટેકનોલોજીથી બનશે, જેમાં જરૂરિયાત મુજબ હવા ભરી અને કાઢી શકાશે. ચોમાસા દરમિયાન ડેમમાં એકઠો થયેલો કાંપ દૂર કરવા માટે હવાની મદદથી પાણી બહાર કાઢી શકાશે, જ્યારે પાણીનો સંગ્રહ કરવા માટે ફરીથી હવા ભરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હિરણ નદી પર આ જ જગ્યાએ વર્ષ 1956માં મુંબઈ રાજ્ય દરમિયાન એક આડબંધ બનાવવામાં આવ્યો હતો. આ આડબંધ વર્ષો સુધી આજુબાજુના ૬૦ ગામો માટે આશીર્વાદરૂપ સાબિત થયો હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેમાં કાંપ ભરાઈ જવાને કારણે તે છીછરો થઈ ગયો હતો, જેના લીધે પાણીનો યોગ્ય સંગ્રહ થઈ શકતો ન હતો અને આસપાસના ગામોમાં પીવાના પાણી અને સિંચાઈની સમસ્યા વધી ગઈ હતી.
સ્થાનિક આગેવાનો દ્વારા આ આડબંધને તોડીને નવો ડેમ બનાવવા માટે સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, જેના પરિણામે ગુજરાત સરકારે રાજવાસણા ખાતે નવા રબર ડેમ બનાવવાની મંજૂરી આપી છે. આ માટે રૂ. 100 કરોડ ડેમ બનાવવા અને રૂ. 28 કરોડ કેનાલ માટે મંજૂર કરવામાં આવ્યા છે.
હાલમાં આ ડેમ બનાવવા માટે એજન્સીની નિમણૂક કરી વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. રાજવાસણા ખાતે હિરણ નદી પર બે તબક્કામાં કામ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં રબર ડેમનું બાંધકામ, કાંપ દૂર કરવાનું કામ અને નદી કિનારે દીવાલ બનાવવાનું કામ હાથ ધરાશે. જ્યારે બીજા તબક્કામાં ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવા માટે કેનાલની કામગીરી કરવામાં આવશે.
સિંચાઈ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં રૂ. 100 કરોડના ખર્ચે રબર ડેમ બનાવવાની કામગીરી શરૂ થશે, જેને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી રહી છે.
હાલમાં સમુદ્ર સપાટીથી 84 મીટરની ઊંચાઈએ આવેલા ડેમમાંથી દોઢ મીટર કાંપ દૂર કરી 82.50 મીટરની ઊંચાઈ રાખવામાં આવશે. ચોમાસા દરમિયાન પાણી અને કાંપ કાઢવા માટે રબર ડેમમાંથી હવા કાઢી નાખવામાં આવશે અને ચોમાસાના અંતે પાણી સંગ્રહ માટે ફરીથી હવા ભરવામાં આવશે. આ નવીન ટેકનોલોજીથી પંથકના 60 ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી સરળતાથી મળી રહેશે.
નોંધનીય છે કે રાજવાસણા ખાતે હિરણ નદી પર 8 મે 1954ના રોજ તત્કાલીન મુંબઈ રાજ્યના બાંધકામ ખાતાના પ્રધાન નાયક નિંબાલકરના હસ્તે આ ડેમનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને તે વર્ષ 1958માં બનીને તૈયાર થયો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
