ઉત્તરાયણમાં કાચ પાયેલી દોરી વાપરી તો થશે કાયદેસરની કાર્યવાહી, હાઈકોર્ટે લગાવ્યો પ્રતિબંધ
હાઈકોર્ટના આદેશનું પાલન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવતા રાજ્ય સરકારે કોર્ટમાં ખાતરી આપી છે કે તેઓ 13 જાન્યુઆરી સુધીમાં આ આદેશનું કડક પાલન કરાવવા માટે નક્કર અને અસરકારક પગલાં લેશે.
Uttarayan 2025: ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને કાચ પાયેલા કોટન થ્રેડનો પણ સમાવેશ થાય છે. આ નિર્ણય પશુ-પક્ષીઓ અને માનવ સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગના શોખીનો પતંગ, દોરી અને અન્ય જરૂરી વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત છે. આ સમયે, ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. હાઈકોર્ટે ચાઈનીઝ દોરીના કેસની સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં માત્ર ચાઈનીઝ દોરી જ નહીં, પરંતુ કાચના પાઉડરથી રંગેલી દોરી પર પણ પ્રતિબંધ છે.
સામાન્ય રીતે, કોટનની દોરીને કાચના પાઉડરથી તૈયાર કરેલી લુગદીથી રંગવામાં આવે છે અને તેને વધુ ધારદાર બનાવવામાં આવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે સરકારી તંત્રને કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે આ પ્રકારની દોરી પર પણ કડક કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટના આ નિર્દેશ બાદ પોલીસ દ્વારા કાચ પાઉડરથી રંગાયેલી દોરીના ઉત્પાદન, ખરીદ-વેચાણ અને ઉપયોગ સામે પણ કડક પગલાં લેવામાં આવી શકે છે.
સરકાર તરફથી દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે ઉતરાયણ ૨૦૨૫ના તહેવારને ધ્યાનમાં રાખીને ચાઈનીઝ, નાયલોન કે પ્લાસ્ટિક કોટેડ દોરીઓના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું ગૃહ વિભાગ દ્વારા ૨૪ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ જારી કરવામાં આવ્યું હતું. આ જાહેરનામાના અનુસંધાનમાં રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ પોલીસ દ્વારા જરૂરી પરિપત્ર જારી કરીને તેની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે.
હાઈકોર્ટના આદેશનું પાલન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવતા રાજ્ય સરકારે કોર્ટમાં ખાતરી આપી છે કે તેઓ 13 જાન્યુઆરી સુધીમાં આ આદેશનું કડક પાલન કરાવવા માટે નક્કર અને અસરકારક પગલાં લેશે. આ કેસની વધુ સુનાવણી 13 જાન્યુઆરીએ હાથ ધરાશે.
આ નિર્ણયનો હેતુ ઉત્તરાયણ દરમિયાન થતી દુર્ઘટનાઓને અટકાવવાનો છે. કાચ પાયેલી અને અન્ય ઘાતક દોરીઓના ઉપયોગથી પશુ-પક્ષીઓ અને માણસોને ગંભીર ઈજાઓ થવાની સંભાવના રહે છે. હાઈકોર્ટના આદેશથી હવે આ પ્રકારની દોરીના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. સરકાર દ્વારા આ આદેશનું કડક પાલન કરાવવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આમ, હાઈકોર્ટના આદેશ અને સરકારની કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે આ વર્ષે ઉતરાયણ પર માત્ર ચાઈનીઝ દોરી જ નહીં, પરંતુ કાચવાળી દોરીનો ઉપયોગ પણ ગેરકાયદેસર છે.
આ પણ વાંચો....
ઉત્તરાયણનાં દિવસે કેવો રહેશે પવન, કેટલી હશે ગતિ; હવામાન વિભાગે કરી આગાહી