ગુજરાત પોલીસમાં નવેમ્બરમાં ૨૭,૮૪૭ કર્મચારીઓની ભરતી, ભરતીના નિયમમાં કરાયો શું મોટો ફેરફાર?
રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની ૨૭૮૪૭ જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. બંને માટે ફોર્મ ભરનાર ઉમેદવારોએ એક જ પરીક્ષા આપવાની રહેશે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે માહિતી આપી હતી.
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી દિવસોમાં શરૂ થનારી પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પોસઈ) , લોક રક્ષક દળની ભરતી માટે એક જ શારીરિક કસોટી લેવાશે. દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી યોજાશે. બંને માટે ફોર્મ ભરનાર ઉમેદવારોએ એક જ પરીક્ષા આપવાની રહેશે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયામા માહિતી આપી હતી.
પો.સ.ઇ અને લોકરક્ષકની શારીરિક કસોટી દિવાળી પછી નવેમ્બરમાં એક સાથે લેવાનું આયોજન છે. બંને માટે અરજી કરનાર ઉમેદવારે એક જ વાર શારીરિક કસોટી આપવાની થશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) October 5, 2021
લોકરક્ષક ભરતીની જાહેરાત પૂર્વેની તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જાહેરાત આપવામાં આવશે ત્યારે સૌને જાણ થાય તે માટે પૂરતી પ્રસિદ્ધિ આપવામાં આવશે. દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી શરૂ થવાની શક્યતા છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) October 4, 2021
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને તે માટે કોવિડના કારણે પેન્ડીંગ રહેલ પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની ૨૭૮૪૭ જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે, એમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ.
ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ ગૃહ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ટૂંકા સમયગાળામાં તા.૧૯.૯.ર૦ર૧ને રવિવારના રજાના દિવસે ભરતી બોર્ડના અઘ્યક્ષશ્રીઓ સાથે બેઠક યોજીને સવિસ્તૃત સમિક્ષા કરી હતી અને ભરતી પ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ કરવા માટે તમામ ભરતી બોર્ડના અઘ્યક્ષોને જરૂરી આદેશો કર્યાં છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, રાજયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર(પ્લાટુન કમાન્ડર), ઈન્ટેલીજન્સ ઓફિસર, બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેકનીકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેકનીકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ(માનદ)ની મળીને અંદાજીત ૨૭૮૪૭ જગ્યાઓ માટે ભરતીનુ આયોજન આગામી ૧૦૦ દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય તે માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ખુબ જ ટૂંકા સમયગાળામાં ભરતી પ્રક્રિયાનુ આયોજન કરીને યુવાઓને રોજગારી આપવા રાજ્ય સરકાર હરહંમેશા કટિબદ્ધ છે. આ નિર્ણયના ફળ સ્વરૂપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેમજ આ ભરતીને લીધે પોલીસ દળમાં વધુ સંખ્યામાં કર્મચારીઓ ઉપ્લબ્ધ થવાથી ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસ સેવા પ્રાપ્ત થશે અને રાજ્યની સુરક્ષામાં વધારો કરવા માટેના રાજ્ય સરકારના પગલાઓ વધુ બળવત્તર બનશે.