Gujarat Monsoon: અનરાધાર વરસાદથી જુનાગઢ જિલ્લાના 8 ડેમ ઓવરફ્લો, 41 ગામોને કરવામાં આવ્યા એલર્ટ, NDRF ની ટીમ સ્ટેન્ડબાય
Gujarat Rains: જુનાગઢમાંથી પસાર થતી સોનરખ નદી બે કાંઠે વહેતી થઈ છે. જુનાગઢના ગિરનારમાં છેલ્લા 24 કલાકથી વરસાદને લઈને નદીઓ ગાંડીતુર થઈ છે.
Gujarat Monsoon: સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ ભારે વરસાદ થતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જુનાગઢ,જામનગર, રાજકોટ,સોમનાથ, અમરેલી, જિલ્લાઓમાં અન્યત્ર ત્રણથી પાંચ ઈંચ વરસાદથી સૌરાષ્ટ્ર જળતરબોળ થઈ ગયું હતું.
8 ડેમ ઓવરફ્લો, 41 ગામો એલર્ટ
જુનાગઢ જિલ્લાના આઠ ડેમ ઓવરફ્લો થતાં 41 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ બરોડાથી બોલાવવામાં આવી છે. એનડીઆરએફની ટીમને હાલ કેશોદ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વિસાવદર તાલુકામાં નોંધાયો છે. જુનાગઢમાંથી પસાર થતી સોનરખ નદી બે કાંઠે વહેતી થઈ છે. જુનાગઢના ગિરનારમાં છેલ્લા 24 કલાકથી વરસાદને લઈને નદીઓ ગાંડીતુર થઈ છે. ગરવા ગિરનારના પહાડોમાં સતત વરસાદને લઈને પાણીનો પ્રવાહ નદીઓમાં યથાવત છે. નદીઓમાં સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે નીચાણ વાળા અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.
જુનાગઢમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
જુનાગઢમાં 9 ઈંચથી વધુ અને ગીરનાર પર્વતમાળા ઉપર તો ધોધમાર 11 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેના કારણે પર્વતીય વિસ્તારમાં નદીઓનું રૌદ્રરૂપ જોવા મળ્યું હતું. જુનાગઢમાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. માર્ગો પર ઠેરઠેર ભુવા પડયા હતા. ભેંસાણમાં પણ ધોધમાર 9 ઈંચ, વરસાદથી ગામડાઓને જોડતા માર્ગો જાણે નદી બનીને વહેવા લાગ્યા હતા. વંથલી,મેંદરડા પંથકમાં આઠ-આઠ ઈંચ વરસાદે ખેતરોમાં પાણી ભરાયા હતા. કેશોદમાં ચાર ઈંચ ઉપરાંત માણાવદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ આઠ ઈંચ વરસાદ વરસી ગયો હતો તો માંગરોળ,માળીયા હાટીનામાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. સોરઠના અનેક ગામોમાં ગોઠણ અને કમર ડુબી જાય એટલા પાણી ભરાયા હતા. ભાખરવડ ડેમ છલકાયો છે.
ઘેડ પંથકમાં ચારેકોર પાણી જ પાણી
ઘેડ વિસ્તારમાં આવેલા મતીયાણા ગામમાં ચારે કોર પાણી જ પાણી છે. ઘેડ પંથકના ગામડાઓ અને સીમમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ગામની અંદર પણ અઢીથી ત્રણ ફૂટ સુધી પાણી ભરેલું જોવા મળ્યું છે. ઘેડ વિસ્તારના અનેક ગામડાઓની આ પરિસ્થિતિ છે. જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓજત નદી બે કાંઠે વહેતી થઈ છે, જેનું સીધું પાણી ઘેડ પંથકમાં પહોંચ્યું છે. ઘેડ પંથકના અનેક ગામડાઓમાં ભારે વરસાદને લઈને જમીનોનું પણ ધોવાણ થયું છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર, જુનાગઢ, રાજકોટ, સોમનાથ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્રરૂપના દર્શન થયા હતા અને ચોતરફ ખેતરો અને ગામોમાં પાણી ભરાયા હતા.
વિસાવદર 16 ઈંચ
જામનગર 11 ઈંચ
અંજાર 10 ઈંચ
ખેરગામ 9 ઈંચ
બગસરા 8 ઈંચ
બહેચરાજી 7 ઈંચ
ધરમપુર 7 ઈંચ
રાજુલા 6.50 ઈંચ
ચીખલી 6.50 ઈંચ
ડાંગ 6 ઈંચ
વઘઈ 6 ઈંચ
જૂનાગઢ 6 ઈંચ
વલસાડ 6 ઈંચ
વંથલી 6 ઈંચ
જામકંડોરણા 5 ઈંચ
બરવાળા 5 ઈંચ
વાપી 5 ઈંચ
ગણદેવી 5 ઈંચ
અમરેલી 5 ઈંચ
જેતપુર 5 ઈંચ
વ્યારા 5 ઈંચ
ગાંધીધામ 4.50 ઈંચ
વડિયા 4.50 ઈંચ
ખાંભા 4.50 ઈંચ
લિલિયા 4.50 ઈંચ
મહુવા 4 ઈંચ
ધંધુકા 4 ઈંચ
સુબિર 4 ઈંચ
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial