ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: 148 તાલુકા જળમગ્ન, ઉમરપાડામાં સૌથી વધુ સવા ત્રણ ઇંચ વરસાદ
Gujarat monsoon 2025 update: રવિવારે સાંજ સુધીમાં 69 તાલુકામાં વરસાદી માહોલ. હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર.

Heavy rain in Gujarat today: રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. શનિવારથી શરૂ થયેલો વરસાદી દોર રવિવારે પણ યથાવત રહ્યો હતો, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 148 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે, જેના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
રવિવારે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
રવિવારે બપોરે 2 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુખ્ય રહ્યા હતા. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 3.39 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત, ડાંગના આહવામાં 2.68 ઇંચ, અમરેલીના ખાંભા અને વલસાડના ઉમરગામમાં 2.56 2.56 ઇંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના પાલનપુરમાં માત્ર બે કલાકમાં 2.17 ઇંચ વરસાદ પડતાં શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યના કુલ 19 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકની સ્થિતિ
જો છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, રાજકોટ જિલ્લાના ગોંડલમાં સર્વાધિક 3.9 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, આણંદના ખંભાતમાં 3.1 ઇંચ, સુરેન્દ્રનગરના દસાડામાં 2.9 ઇંચ, રાજકોટ શહેરમાં 2.5 ઇંચ, અમદાવાદના માંડલ અને ખેડાના નડિયાદમાં 2.4 2.4 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના કુલ 42 તાલુકા એવા છે જ્યાં છેલ્લા 24 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો હતો. સાવરકુંડલાના બાઢડા, કરજાળા, નેસડી, અને પીઠવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમયથી ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલા લોકોને વરસાદને કારણે રાહત મળી હતી.
આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને પગલે હવામાન વિભાગે આગામી 6 દિવસ માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.





















