ભારે વરસાદને પગલે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં શાળા કોલેજોમાં રજા જાહેર, તંત્ર એલર્ટ
Rain Alert: તમામ શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં કાલે રજા જાહેર કરવામાં આવી છે.
Valsad Rain: વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે આજે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે, જેમાં કાલે કેટલાક વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ધરમપુર, કપરાડા અને વલસાડ તાલુકામાં તમામ શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં કાલે રજા જાહેર કરવામાં આવી છે.
અન્ય વિસ્તારોમાં સ્થાનિક પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય જિલ્લામાં વરસાદના રેડ એલર્ટને પગલે લેવામાં આવ્યો છે.
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને અનાવશ્યક રીતે ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. વધુ માહિતી માટે સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.
ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની શક્યતા બની રહી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. કેટલાક સ્થળોએ જોરદાર વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં 6 ઓગસ્ટ સુધી હવામાન ખરાબ રહેશે. ખાસ કરીને ગુજરાત રીજનના જિલ્લાઓ પર વધુ અસર જોવા મળશે.
આગામી 24 કલાક દરમિયાન ગુજરાત રીજનના બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રીજનના જ પાટણ, મહેસાણા, સુરત, ડાંગ અને તાપી જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભારેથી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આવતીકાલે તા. 05-08-2024ને સોમવારના રોજ ધરમપુર, કપરાડા અને વલસાડ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે.
— DDO Valsad (@DDO_VALSAD) August 4, 2024
IMD તરફથી આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર અને ભરૂચ જિલ્લાઓમાં પણ અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત રીજનના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના બધા જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં ભારે વરસાદનો દોર બીજા દિવસે સોમવારે પણ ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાત રીજનના નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 5 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત રીજનના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.