Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ તાંડવ મચાવ્યું, ખંભાળિયામાં જળબંબાકાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. ગઈકાલે કલ્યાણપુર તાલુકામાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. ગઈકાલે કલ્યાણપુર તાલુકામાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ખંભાળિયા, ભાણવડ અને દ્વારકા પણ પાણી-પાણી થયા હતા. એવામાં આજે પણ મૂશળધાર વરસાદ વરસ્યો છે. ખંભાળિયા તાલુકાના કાકાભાઈ સિંહણ ગામમાં નદીમાં કાર તણાઈ હતી. ગ્રામજનોએ કારમાં સવાર લોકોનું રેસ્ક્યૂ કર્યું. જો કે, બાદમાં કાર ઊંડા પાણીમાં ડૂબી ગઈ હતી. દ્વારકાના ભાણવડ પાસે રેલવે ટ્રેક ધોવાયો હતો. જેને લઈ રેલ વ્યવહાર ખોરવાયો છે. ખંભાળિયા શહેરમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે.
ખંભાળિયા શહેરમાં જળબંબાકાર
ખંભાળિયા શહેરની રામનાથ સોસાયટી, નગરગેટ, સોની બજાર વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા હતા. વ્રજધામ સોસાયટીમાં ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. જેને લઈ રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થિતિનો તાગ મેળવવા મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ખંભાળિયાના સતવારા ચોરા વિસ્તાર પણ જળબંબાકાર થયો હતો. અહીં ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. સતવારા ચોરા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસ્યા હતા. ખંભાળિયા શહેર સહિત તાલુકાના ગામો પણ જળબંબાકાર થયા છે.
કલ્યાણપુર તાલુકામાં આભ ફાટ્યું
મોવાણ ગામની કૂંતી નદીમાં પૂર આવ્યું છે. પૂરના પાણી નદી કાંઠે આવેલા મંદિરમાં ઘૂસી ગયા હતા. કલ્યાણપુર તાલુકામાં તો જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ગઈકાલે 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યા બાદ આજે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતા કલ્યાણપુર તાલુકામાં જળપ્રલય આવ્યું છે. નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. રસ્તાઓ પર નદીના પાણી ફરી વળ્યા હતા. કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં વહેતી કૂંતી નદીમાં પૂર આવ્યું હતું. નદીના પાણી હાઈવે પર ફરી વળતા હાઈવે બંધ થયો હતો. કલ્યાણપુરથી રાવલ તરફનો સ્ટેટ હાઈવે પણ બંધ થયો છે. ભારે વરસાદને લઈ હાઈવે પર નદીની જેમ પાણી વહેતા થયા હતા.
રાવલ ગામ તો બેટમાં ફેરવાયું હતું. ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. સાની ડેમનું પાણી રાવલ ગામમાં ફરી વળ્યું છે. જો વર્તુ 2 ડેમમાંથી પાણી છોડાયું તો સ્થિતિ વધુ વિકટ બનશે. હાઈવે પરથી પાણીનો ધસમસતા પ્રવાહ વહેતા રાવલથી કલ્યાણપુરનો માર્ગ બંધ થયો. વરસાદને લઈ ભાટીયા અને ભોગાત વચ્ચેના સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. અહીં લોકો જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા હતા. કલ્યાણપુર તાલુકાના ગામોમાં વરસાદને લઈ ખેતરોમાં પણ નદીની જેમ પાણી વહેતા થયા હતા.
યાત્રાધામ હર્ષદની બજારોમાં કેડસમા પાણી ભરાયા
ભાણવડ તાલુકાના ઢેબર ગામે મૂશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ ગામમાં નદીની જેમ પાણી વહેતા થયા હતા. યાત્રાધામ હર્ષદની બજારોમાં કેડસમા પાણી ભરાયા હતા. અનેક યાત્રાળુઓ કલાકો સુધી ફસાયા હતા. જો કે, બાદમાં તેઓ પાણીમાંથી પસાર થઈને બહાર નીકળ્યા હતા. સલાયામાં પણ વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિકોએ વીડિયો બનાવી પ્રશાસન પાસે મદદ માગી હતી. વરસાદને લઈ સલાયા ચૂડેશ્વરને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. જેને લઈ પ્રશાસને અહીં અવર-જવર પર રોક લગાવી હતી.
ખંભાળિયા પાસેનો સિંહણ ડેમ છલકાયો
ભારે વરસાદને લઈ દ્વારકા જિલ્લાના જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ખંભાળિયા પાસેનો સિંહણ ડેમ છલકાયો છે. સિંહણ ડેમ ઓવરફ્લો થતાં આસપાસના 25 ગામોને પીવાનું પાણી મળી રહેશે. ભાણવડ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો સતસાગર ડેમ પણ ઓવરફલો થયો છે. સતસાગર ડેમ છલકાતા ભાણવડવાસીઓ ડેમ પર પહોંચ્યા હતા. કલ્યાણપુરનો સિંધણી ડેમ પણ ઓવરફ્લો થયો છે. કલ્યાણપુર તાલુકો અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા સિંધણી ડેમ છલકાતા ડેમના હેઠવાસના ગામોને એલર્ટ કરાયા હતા.