Rain Alert: આગામી 24 કલાક આ જિલ્લાઓ માટે ભારે, ધોધમાર વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ રાજ્યના છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

અમદાવાદ : આગામી 24 કલાક ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ રાજ્યના છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજના દિવસમાં 29થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ મુજબ આવતીકાલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. પવનની ગતિ પણ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
અંબાલાલ પટેલની આગાહી
આજથી બે દિવસ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. આ અનુમાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે . તેમના અનુમાન મુજબ 17થી 19 એમ ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત છે. પરંતુ બંગાળની ખાડીમાં 23 જુલાઈથી 27 જુલાઈ સુધી વધુ એક સિસ્ટમ સક્રિય થશે.
આ વરસાદી સિસ્ટમથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી શકે છે.અંબાલાલ પટેલના અનુમાન મુજબ 26 જુલાઈથી 29 જુલાઈ વચ્ચે રાજ્યમાં અણધાર્યો વરસાદ વરસી શકે છે. જ્યારે 6થી 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર રીએન્ટ્રી કરી છે, કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ ફરીથી જામ્યો છે. તાજેતરમાં હવામાન વિભાગના આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સરસ્વતી તાલુકામાં ખાબક્યો છે. રાજ્યમાં 14 જુલાઇએ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 122 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 13 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 જુલાઈના સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ મહેર વરસાવી છે. કુલ 122 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી 26 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે 5 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.પાટણના સરસ્વતી તાલુકામાં સૌથી વધુ 2.8 ઇંચ વરસાદ નોંધાયો છે.
નર્મદાના ડેડિયાપાડામાં 2.68 ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં 2.40 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ સુરતના ઉમરપાડામાં 2.24 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, ખેડબ્રહ્મામાં 2.2 ઇંચ અને જાંબુઘોડામાં 1.77 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ વઘઈ, વાલિયા, પારડી અને પાટણ તાલુકાઓમાં પણ દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.





















