Gujarat Rain: હિંમતનગરમાં જળબંબાકાર, ધોધમાર વરસાદથી અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા
Gujarat Rain: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

Gujarat Rain: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારે પડેલા ભારે વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે જનજીવન જબરજસ્ત પ્રભાવિત થયું છે.
સોસાયટીઓમાં વરસાદી પાણીની તારાજી
શહેરના બેરણા રોડ,ગાયત્રી મંદિર રોડ અને શારદાકુંજ વિસ્તારમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત, સહકાર જીન, શુકન સોસાયટી, શાસ્ત્રીનગર અને નિકુંજ સોસાયટી જેવા રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે. ઘણા લોકોના ઘરોમાં કમર સુધીના પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
વાહનો પાણીમાં ગરકાવ
નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી ગાડીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અંદાજે 20 જેટલી કાર પાણીમાં ડૂબી જતાં વાહન માલિકોને ભારે નુકસાન થયું છે. આસપાસના વિસ્તારોમાં પણ વાહનોને નુકસાન થયું હોવાના અહેવાલો છે. વરસાદ હજુ પણ ચાલુ હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
રાજ્યમાં ભારે વરસાદને કારણે 184 રસ્તા બંધ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે રાજ્યના કુલ 184 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આ રસ્તાઓમાં 4 સ્ટેટ હાઈવે અને 2 નેશનલ હાઈવેનો પણ સમાવેશ થાય છે.
જિલ્લાવાર અસર
સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. તાપી જિલ્લામાં 40 રસ્તા બંધ થયા છે, જ્યારે સુરત જિલ્લામાં 32 રસ્તા બંધ થયા છે. આ ઉપરાંત, પોરબંદરમાં 28 અને નવસારી જિલ્લામાં 27 રસ્તાઓ પર અવરજવર બંધ છે. પંચાયત હસ્તકના 174 રસ્તાઓ અને રાજ્ય સરકાર હસ્તકના અન્ય ચાર રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર અટકી ગયો છે.
વાહનચાલકોને મુશ્કેલી
રાજ્યના મુખ્ય માર્ગો બંધ થવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને જે લોકો કામ અર્થે કે અન્ય હેતુસર મુસાફરી કરી રહ્યા છે, તેમને લાંબા રૂટ લેવાની ફરજ પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તેથી વાહનચાલકોને સાવચેતી રાખવા અને બંધ રસ્તાઓનો ઉપયોગ ન કરવાની અપીલ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓ ફરીથી ખુલ્લા કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ વરસાદ ચાલુ હોવાથી તેમાં વિલંબ થઈ રહ્યો છે.





















