Valsad Rain: વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી દમણગંગા નદી બે કાંઠે
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વાપી, પારડી, કપરાડા, ધરમપુર સહિતના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે.

અમદાવાદ: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વાપી, પારડી, કપરાડા, ધરમપુર સહિતના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. રેલવે ગરનાળામાં પાણી ભરાતા રાહદારીઓ પરેશાન થયા છે. વલસાડ જિલ્લામાં પડેલા સારા વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ડેમના 10 દરવાજા 1.30 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. વાપી અને દમણના 20 ગામના લોકોને સતર્ક કરવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લાના સેગવી ગામે સારો વરસાદ ખાબકતા મુખ્ય માર્ગ પર પાણીમાં ગરકાવ થયા છે. પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે. ગામની ગલી, મહોલ્લા અને શેરીઓ પણ નદીમાં ફેરવાઇ ગઈ છે. વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.
વલસાડના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ
વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વાપીમાં ભારે વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વાપી અને કપરાડામાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વાપી શહેર અને ગ્રામ્યમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમા પાણી ભરાયાછે.
વાપીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ભારે વરસાદથી વાપી શહેર પાણી-પાણી થયું છે. વાપીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપી શહેરમાં મોટા ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે.ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. વાપીમાં ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. વાપીના ઝંડા ચોક મુખ્ય બજાર ટાઉનમાં વરસાદી પાણી ભરાયા છે. બીજી તરફ કપરાડામાં પણ બે કલાકમાં 3.6 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને લઈને જનજીવનને અસર થઈ છે. વલસાડ જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મધુબન ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લઈને મધુબન ડેમમાં 43 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે.
મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ
રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.6 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણવાયું છે.





















