ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 158 તાલુકામાં મેઘમહેર, વેરાવળમાં સવા પાંચ ઇંચ વરસાદ
સાબરકાંઠા અને બનાસકાંઠામાં મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. તો રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 32 ટકા વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 158 તાલુકામાં મેઘમહેર થઇ હતી. સાબરકાંઠા અને બનાસકાંઠામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. સાબરકાંઠા અને બનાસકાંઠામાં મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. તો રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 32 ટકા વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 158 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તે સિવાય છેલ્લા 24 કલાકમાં વેરાવળમાં સવા પાંચ ઈંચ, માણાવદરમાં સવા પાંચ ઈંચ, રાજકોટના વીંછીયામાં પાંચ ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 5 ઈંચ, માળીયા હાટીનામાં પોણા પાંચ ઈંચ, ખેડબ્રહ્મામાં ચાર ઈંચ, ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ઉપરાંત વડગામમાં પોણા ત્રણ ઈંચ,દાંતામાં પોણા ત્રણ ઈંચ, કલ્યાણપુરમાં અઢી ઈંચ, મુંદ્રા, દ્વારકામાં અઢી-અઢી ઈંચ, મેંદરડામાં અઢી ઈંચ, પોરબંદરમાં અઢી ઈંચ, લોધિકામાં સવા બે ઈંચ, લાલપુરમાં સવા બે ઈંચ, ખેડા, મહુધામાં બે-બે ઈંચ, પાલનપુર, રાજકોટમાં બે-બે ઈંચ, કચ્છના માંડવીમાં બે ઈંચ, રાણાવાવ, સુત્રાપાડામાં બે-બે ઈંચ, દાંતીવાડા-પોશીનામાં બે-બે ઈંચ, તલોદ, કોટડાસાંગાણીમાં પોણા બે ઈંચ, જામનગર, કુતિયાણામાં પોણા બે ઈંચ, સાબરકાંઠાના વડાલીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.
આજે કરાઇ છે વરસાદની આગાહી
આ સિવાય હવામાન વિભાગે આજે દિલ્હી અને મુંબઈમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. RMC મુંબઈના જણાવ્યા અનુસાર, નાણાકીય રાજધાનીમાં 19 જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. મહારાષ્ટ્રના અન્ય શહેરોની વાત કરીએ તો, હવામાન વિભાગે પુણે, કોલ્હાપુર, અકોલા, અમરાવતી, ભંડારા, નાગપુર, યવતમાલમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે સતારા, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગમાં ભારે વરસાદની સંભાવના છે.
IMD અનુસાર, તેલંગાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 17 જુલાઈ સુધી વરસાદ થઈ શકે છે. તદુપરાંત, તમિલનાડુ અને પુડુચેરી સહિત દક્ષિણ ભારતીય પ્રદેશમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે