કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત, ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી
9 નવેમ્બરથી રાજ્યભરમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. સરકાર ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી કરશે.

ગાંધીનગર: કમોસમી વરસાદ અને મગફળીના પાકને ધ્યાને લઈ સરકાર 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે, રાજ્યમાં 9 નવેમ્બરથી ટેકાના ભાવે જણસની ખરીદી કરાશે. સરકાર મગફળી,મગ, અડદ અને સોયાબિનની ખરીદી કરશે. 9 નવેમ્બરથી રાજ્યભરમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. સરકાર ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી કરશે. કેન્દ્રના ધારાધોરણ પ્રમાણે સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે.
16 હજાર ગામમાં કમોસમી વરસાદથી નુકસાન
રાજ્યમાં 42 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાનનો સરકારનો સ્વીકાર. માવઠાથી 42 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાન થયું હોવાની વાત કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. 16 હજાર ગામમાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે. આ માવઠું નથી, કુદરતનો કઠોર આઘાત છે.
ટેકાના ભાવે 9 નવેમ્બરથી ખરીદી શરૂ કરશે
ગુજરાત સરકાર સોયાબીન, મગ, અળદની ટેકાના ભાવે 9 નવેમ્બરથી ખરીદી શરૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલે કહ્યું હતું કે ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકાર કરે છે. મગફળી માટે 9 લાખથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કેટલી મગફળી ખરીદાશે તે અંગે પણ સરકાર આજે નિર્ણય જાહેર કરી શકે છે. સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઉભી રહેવા પ્રતિબદ્ધ છે.
નોંધનીય છે કે અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી રીયલ ટાઈમ મોનીટરીંગ કરીને તેમજ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનનો સંપૂર્ણ અહેવાલ મેળવવા માટેની સૂચનાઓ પણ આપી હતી.
આ સંદર્ભમાં કૃષિ વિભાગ સહિત રાજ્ય સરકારના અન્ય વિભાગોએ સંકલન કરીને તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત વિસ્તારનો સર્વે શરૂ કરી દીધો હતો. આ કમોસમી વરસાદના કારણે ખેતી પાકમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને વધુમાં વધુ ઝડપથી સહાય મળી શકે તે માટે અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 4,800થી વધુ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરવામાં આવી હતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ગીર-સોમનાથ જિલ્લાના કડવાસણ અને જુનાગઢ જિલ્લાના પાણીદ્રા ગામે પહોંચ્યા હતા અને ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને થયેલા નુકસાન અંગેની જાણકારી મેળવી હતી અને ખેડૂતોની આપવીતી સાંભળી હતી. તાજેતરના આ કમોસમી વરસાદમાં પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં 249 તાલુકાના 16,000 થી વધુ ગામોના ખેતી પાકોમાં નુકસાન જોવા મળ્યું છે. આ નુકસાનની સામે હાલની સ્થિતિએ 70 ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે, બાકીના વિસ્તારોની કામગીરી પણ સત્વરે પૂર્ણ કરવામાં આવશે.




















