મહાશિવરાત્રી 2025: સોમનાથ મહાદેવના ધામમાં ભક્તિ, પૂજા અને ઉત્સવનો ત્રિવેણી સંગમ, મંદિર ૪૨ કલાક સુધી ભક્તો માટે ખુલ્લું
26 ફેબ્રુઆરીએ સોમનાથ મંદિર 42 કલાક અવિરત ખુલ્લું રહેશે, પાર્થિવ શિવલિંગ મહાપૂજા અને સોમનાથ મહોત્સવ સહિત અનેકવિધ આયોજનો.

Mahashivratri 2025 somnath: મહાદેવના ભક્તો માટે આનંદના સમાચાર છે! આગામી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સોમનાથ મંદિર ભક્તિ, પૂજા અને ઉત્સવના અનેરા રંગોથી મહોરશે. તારીખ 26 ફેબ્રુઆરીના રોજ સવારે 4:00 વાગ્યાથી સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે, જ્યાં દર્શન, પૂજન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મહાશિવરાત્રીના પાવન અવસરે સવારે 8:00 કલાકે સોમનાથના પવિત્ર સમુદ્ર કિનારે હજારો શ્રદ્ધાળુઓ માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવશે. મોટી સંખ્યામાં આવનારા ભક્તો ગંગાજળથી અભિષેકનો લાભ લઇ શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સવારે 8 થી 11 અને સાંજે 1 થી 5 વાગ્યા સુધી વિશિષ્ટ પાત્રો દ્વારા ગંગાજળ અભિષેકની સુવિધા ઉપલબ્ધ રહેશે.
સંકિર્તન ભવન ખાતે ભક્તોની પ્રિય ધ્વજા પૂજા માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સોમેશ્વર મહાપૂજાના બમણા સ્લોટ્સ રાખવામાં આવ્યા છે, જેથી વધુ ભક્તો પૂજાનો લાભ લઈ શકે. તદુપરાંત, સમુદ્ર દર્શન વોક વે પર 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન "સોમનાથ મહોત્સવ"નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંસ્કૃતિક કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે, જે આ ઉત્સવને એક અનોખું આકર્ષણ પ્રદાન કરશે.
મહાશિવરાત્રીના શુભ દિવસે ભક્તો માત્ર ₹25માં સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા કરી શકશે. વિશેષ રૂપે, પૂજા કરાવનાર ભક્તોને ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. મંદિર દ્વારા સોમનાથ મહાદેવને અર્પણ કરાયેલ બિલ્વપત્ર નમન પ્રસાદ માટે વિશેષ કાઉન્ટર નિકાસ દ્વાર નજીક ગોઠવવામાં આવશે.
યાત્રિકોની સુવિધા માટે મંદિર પરિસરમાં અલગ અલગ સુવિધાઓ તરફ દોરી જતા વિવિધ રંગોના પટ્ટા લગાવવામાં આવશે, જે દિશા નિર્દેશનમાં મદદરૂપ થશે. દિવ્યાંગ અને વૃદ્ધ ભક્તો માટે સ્વાગત કક્ષ ખાતે ગોલ્ફ કાર્ટ અને વ્હીલચેરની સુવિધા સતત ઉપલબ્ધ રહેશે. સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પ્રથમ વખત સ્ટ્રાઇકિંગ ફોર્સ તૈયાર કરવામાં આવી છે, જેનો સંપર્ક કરવાથી તાત્કાલિક સફાઈ સેવા ઉપલબ્ધ થશે.
મહાશિવરાત્રી પર્વે શ્રી સોમનાથ મંદિરના મુખ્ય કાર્યક્રમો:
- દર્શન પ્રારંભ: સવારે ૪:૦૦ કલાકે
- પ્રાતઃમહાપૂજા પ્રારંભ: સવારે ૬:૦૦ કલાકે
- પ્રાતઃઆરતી: સવારે ૭:૦૦ કલાકે
- લઘુરુદ્ર યાગ: સવારે ૦૭:૩૦ થી (મંદિર યજ્ઞશાળામાં)
- શ્રી પાર્થેશ્વર પૂજન: સવારે ૦૮:૦૦ કલાકે, (મારૂતિ બીચ)
- નુતન ધ્વજારોહણ (સોમનાથ ટ્રસ્ટ દ્વારા): સવારે ૮:૩૦ કલાકે
- શ્રી સોમનાથ મહાદેવ પાલખી યાત્રા: સવારે ૦૯:૦૦ કલાકે
- શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા શાંતિ પાઠ: સવારે ૦૯:૦૦ થી ૧૦:૦૦ કલાકે
- શ્રી સોમનાથ પાઘ પૂજન તથા પાઘ શોભાયાત્રા: ૧૦:૦૦ થી ૧૧:૦૦ શ્રી સોમનાથ મંદિર પરીસર
- મધ્યાન્હ મહાપૂજા: ૧૧:૦૦ કલાકે
- મધ્યાન્હ આરતી: બપોરે ૧૨:૦૦ કલાકે
- મહાશિવરાત્રિએ યાત્રિકો દ્વારા નોંધાવવામાં આવેલ વિશેષ બિલ્વપૂજા: બપોરે ૦૧:૩૦ થી ૦૨:૩૦ શ્રી સોમનાથ મંદિર ગર્ભગૃહ
- મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ: બપોરે ૦૩:૦૦ થી ૦૬:૩૦ યજ્ઞશાળા, શ્રી સોમનાથ મંદિર
- શ્રૃંગાર દર્શન ભસ્મ, રૂદ્રાક્ષ, બિલ્વપત્ર: સાંજે ૪:૦૦ થી ૮:૩૦ (શિવરાત્રિ મહાત્મ્ય શ્રૃંગાર)
- સંધ્યાવંદન તથા પુરુષુક્તનો પાઠ શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા: સાંજ ૬:૦૦ થી ૬:૪૫ શ્રી સોમનાથ મંદિર પરીસર
- સાયં આરતી: સાંજે ૭:૦૦ કલાકે
- શિવરાત્રી પ્રક્ષાલ પૂજન: રાત્રે ૮:૩૦ કલાકે
- શિવરાત્રી પ્રથમ પ્રહર પૂજન: રાત્રે ૮:૪૫ કલાકે
- શિવરાત્રી પ્રથમ પ્રહર આરતી: ૯:૩૦ કલાકે
- શિવરાત્રી જ્યોતપૂજન: ૧૦:૧૫ કલાકે
- શિવરાત્રી દ્વિતીય પ્રહર પૂજન પ્રારંભ: મધ્યરાત્રે ૧૧:૦૦ કલાકે
- શિવરાત્રી દ્વિતીય પ્રહર આરતી: ૧૨:૩૦ કલાકે
- શિવરાત્રી તૃતીય પ્રહર પૂજન પ્રારંભ: ૨:૪૫ કલાકે
- શિવરાત્રી તૃતીય પ્રહર આરતી: ૩:૩૦ કલાકે
- શિવરાત્રી ચતુર્થ પ્રહર પૂજન: પ્રાતઃ ૪:૪૫ કલાકે
- શિવરાત્રી ચતુર્થ પ્રહર આરતી: સવારે ૫:૩૦ કલાકે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
