લુણાવાડા નજીક પાનમ કેનાલ બની મોતનો કૂવો: હાથ-પગ ધોવા ઉતરેલા ૩ યુવાનો ડૂબ્યા
લુણાવાડાના ભાટપુરા ગામ પાસે બની ઘટના, હાથ-પગ ધોવા ઉતર્યા અને પાણીમાં ગરકાવ થયા.

Mahisagar drowning news: મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ભાટપુરા ગામ નજીક પાનમ કેનાલમાં એક દુર્ઘટના સર્જાઈ છે. કેનાલના પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનોના કરુણ મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ યુવાનો કેનાલમાં હાથ-પગ ધોવા માટે ઉતર્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.
ઘટનાની જાણ થતાં જ લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર ટીમ દ્વારા કેનાલમાંથી બે યુવાનોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
એક યુવકને કેનાલમાંથી જીવિત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને તાત્કાલિક લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે ગોધરા રિફર કરવામાં આવ્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ત્રણેય યુવાનો શહેરા તાલુકાના લાભી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ યુવાનો કોઈ લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના બની હતી.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.





















