ગુજરાતમાં '૧૯૧૬' હેલ્પલાઇનનો જળ ક્રાંતિમાં મોટો ફાળો: ગ્રામજનોની ૯૯% થી વધુ પાણીની ફરિયાદોનો નિકાલ
મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ પાણી પુરવઠા વિભાગની સફળ પહેલ, ૨૪x૭ કાર્યરત સેવા બની ગ્રામજનો માટે આશીર્વાદરૂપ.

Gujarat water complaint helpline: ગુજરાતના જળ વ્યવસ્થાપન ક્ષેત્રે થયેલી ક્રાંતિએ રાજ્યના વિકાસમાં પાયાની ભૂમિકા ભજવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પાણીના નક્કર આયોજન દ્વારા નાગરિકોને પીવા માટે, ખેડૂતોને સિંચાઈ માટે અને ઉદ્યોગોને ઉત્પાદન માટે પર્યાપ્ત પાણી પૂરું પાડ્યું છે. એક સમયે પાણીની ગંભીર અછતનો સામનો કરતું ગુજરાત આજે 'પાણીદાર ગુજરાત' તરીકે દેશભરમાં જાણીતું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા શહેરી વિસ્તારોની સાથોસાથ ગ્રામીણ વિસ્તારોના પણ પ્રત્યેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જોકે, સરકારે માત્ર પાણી પહોંચાડીને સંતોષ માન્યો નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પીવાના પાણી સંબંધિત કોઈપણ સમસ્યાનું નિરાકરણ ઝડપથી મળી રહે તે માટે ૨૪x૭ કાર્યરત ટોલ ફ્રી નંબર ૧૯૧૬ની સેવા ઉપલબ્ધ કરાવી છે. આ ટોલ ફ્રી નંબર ગ્રામજનો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે, જેના કારણે તેઓ પોતાની સમસ્યા સરળતાથી સરકાર સુધી પહોંચાડી શકે છે અને તેનું ત્વરિત નિરાકરણ પણ મેળવી શકે છે.
૯૯% થી વધુ ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ:
પાણી પુરવઠા વિભાગ દ્વારા શરૂ કરાયેલી ટોલ ફ્રી નંબર ૧૯૧૬ સેવા શરૂ થયેથી અત્યાર સુધીમાં કુલ ૨,૨૨,૧૧૬ ફરિયાદો નોંધવામાં આવી છે. આમાંથી ૨,૨૧,૩૬૪ ફરિયાદોનું એટલે કે ૯૯.૬૬% ફરિયાદોનું સંતોષપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું છે, જે આ સેવાની કાર્યક્ષમતા દર્શાવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૮૯,૪૧૦ ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી ૮૮,૯૯૨ (૯૯.૫૩%) ફરિયાદોનો સફળતાપૂર્વક નિકાલ કરાયો હતો. જાન્યુઆરી ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ સુધીના સમયગાળામાં ૬૫,૫૫૩ ફરિયાદો નોંધાયેલી હતી, જેમાંથી ૬૫,૫૦૯ (૯૯.૯૩%) ફરિયાદોનું સંતોષપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું છે.
કેવી રીતે કામ કરે છે ટોલ ફ્રી સેવા નં. ૧૯૧૬:
ટોલ ફ્રી નંબર ૧૯૧૬ ગ્રામજનો માટે પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે એક પુલ સમાન છે. ગ્રામજનો દ્વારા ફરિયાદ મળ્યા બાદ, સંબંધિત ફરિયાદ વિશે તાત્કાલિક સિવિલ, મિકેનિકલ, વાસ્મો જેવા સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવે છે. ત્યારબાદ ફરિયાદકર્તાના નામ, ગામ, તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર અને ફરિયાદની વિગતવાર માહિતી નોંધીને તેને ERP પોર્ટલ પર ઓનલાઈન દાખલ કરવામાં આવે છે.
ઓનલાઈન નોંધણી થયા પછી, ફરિયાદીને ટેક્સ્ટ મેસેજ (SMS) અને ઈ-મેઈલ દ્વારા તેમની ફરિયાદનો યુનિક નંબર આપવામાં આવે છે. ત્યારબાદ જે જિલ્લામાંથી ફરિયાદ આવી હોય, તેના સંબંધિત જવાબદાર વિભાગના સબ ડિવિઝન અધિકારીને ટેક્સ્ટ મેસેજ (SMS) અને ઈ-મેઈલ દ્વારા ફરિયાદની વિગતો મોકલવામાં આવે છે.
જિલ્લા કક્ષાએ ફરિયાદ મેળવ્યા પછી, સંબંધિત અધિકારી ફરિયાદની સ્થળની મુલાકાત લઈને ૪૮ કલાકમાં ફરિયાદનું નિરાકરણ લાવે છે. એકવાર ફરિયાદનું નિરાકરણ થઈ જાય, પછી સંબંધિત અધિકારી દ્વારા ERP સિસ્ટમમાં તે ફરિયાદને 'રિસોલ્વ્ડ' તરીકે અપડેટ કરવામાં આવે છે. ત્યારબાદ ફરિયાદકર્તાને ટેક્સ્ટ મેસેજ (SMS) દ્વારા ફરિયાદનું નિરાકરણ થઈ ગયું હોવાની જાણ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે, પાણી પુરવઠા વિભાગના કોલ સેન્ટર દ્વારા ફરિયાદીને ફોન કરીને ફરિયાદ નિવારણ માટે કરવામાં આવેલ કામગીરી અંગેનો ફીડબેક પણ લેવામાં આવે છે, જેથી સેવાની ગુણવત્તા સુનિશ્ચિત કરી શકાય.
ટોલ ફ્રી નંબર ૧૯૧૬ પર કેવા પ્રકારની ફરિયાદો કરવામાં આવે છે?
ટોલ ફ્રી નંબર ૧૯૧૬ પર ગ્રામ્ય પેયજળ યોજનાને લગતી અનેક પ્રકારની ફરિયાદો નોંધવામાં આવે છે, જેમાં મુખ્યત્વે નીચે મુજબની ફરિયાદોનો સમાવેશ થાય છે:
- ગામમાં પીવાનું પાણી મળતું ન હોય.
- આંતરિક પાઈપલાઈનમાં લીકેજ હોય.
- બોરમાં ખરાબી હોય.
- પમ્પિંગ મશીનરીની મરામત જરૂરી હોય.
- ઓપરેટર સતત ગેરહાજર રહેતો હોય.
- જૂથ યોજનાનું પાણી નિયમિત મળતું ન હોય.
- પાણી ચોરી અંગેની ફરિયાદ.
- પાણીની ગુણવત્તા અંગેની ફરિયાદ.
- મિની સ્કીમની મરામત અને સોલાર પેનલની મરામત.
- હેન્ડ પમ્પ રીપેરીંગ અંગેની ફરિયાદ.
આ પ્રકારની તમામ ફરિયાદોનું ટોલ ફ્રી નંબર ૧૯૧૬ દ્વારા ત્વરિત નિરાકરણ લાવવામાં આવે છે, જેનાથી ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળે છે અને સરકાર પ્રત્યે તેમનો વિશ્વાસ મજબૂત થાય છે. 'પાણીદાર ગુજરાત' ના નિર્માણમાં આ સેવા એક મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.





















