બનાસકાંઠામાં એક જ પરિવારના 4 લોકોએ ડેમમાં કુદી જીવન ટૂંકાવ્યું, જાણો વધુ વિગતો
બનાસકાંઠા જિલ્લામાં સામુહિક આપઘાત કર્યો છે. એક જ પરિવારના ચાર લોકોએ દાંતીવાડા ડેમમાં કુદી જીવન ટૂંકાવ્યું છે. એક જ પરિવારના ચાર લોકોના દાંતીવાડા ડેમમાં ડૂબી જવાથી મોત થયા છે.
બનાસકાંઠા જિલ્લામાં સામુહિક આપઘાત કર્યો છે. એક જ પરિવારના ચાર લોકોએ દાંતીવાડા ડેમમાં કુદી જીવન ટૂંકાવ્યું છે. એક જ પરિવારના ચાર લોકોના દાંતીવાડા ડેમમાં ડૂબી જવાથી મોત થયા છે. મૃત્યુ પામનારા ચાર લોકોમાં સાસુ, વહુ, દીકરી અને દીકરાનો સમાવેશ થાય છે. અહેવાલ અનુસાર, પરિવાર પાલનપુર તાલુકાના નાની ભટામલનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મૃતકોમાં એક આશરે 8 વર્ષનો બાળક પણ છે. આ ઘટના અંગે જાણકારી મળતા જ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સ્થાનિક લોકોની મદદથી તમામ લોકોના મૃતદેહ બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પરિવારના ચાર સભ્યોના મોત અંગે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ અંગે મૃતક મહિલાના પતિ અને સસરા સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે મૃતક મહિલાના ભાઈ પ્રવીણસિંહ ઠાકોરની ફરિયાદના આધારે પતિ નારાયણસિંહ ચૌહાણ અને સસરા ગેનીસિંહ ચૌહાણ સામે કલમ 306 હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપ છે કે ત્રાસ આપવાના કારણે પરિણીત મહિલાએ તેના બે બાળકો અને સાસુ સાથે ડેમમાં કૂદી આપઘાત કર્યો છે. આ મામલે પોલીસે ગામના લોકો અને પડોશીઓના નિવેદન નોંધ્યા છે.
સુરતમાં રખડતા ઢોર સાથે બાઈક અથડાતા 22 વર્ષીય રત્ન કલાકારનું મોત
હાઈકોર્ટની ટકોર છતા ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. ખાસ કરીને મોટા શહેરમાં લોકોની હાલત કફોડી બની છે. રખડતા ઢોરના કારણે વધુ એક વ્યક્તિનું અકસ્માતે મોત થયું છે. સુરતમાં બાઈક પર સવાર બે ભાઈઓમાંથી એકનું હોસ્પિટલમાં મોત થયું છે. સુરતના માસમાં ખાતે રહેતા મિશ્રા પરિવારના બે ભાઈઓ ગત રોજ બાઇક ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા. સરોલી-માસમાં રોડ પરથી બાઇક લઈ પસાર થતાં હતા ત્યારે 22 વર્ષીય તુષાર મિશ્રા અને મોટા ભાઈ ગૌરવ મિશ્રાને અકસ્માત નડ્યો હતો.
સુરતમાં રખડતું ઢોર વચ્ચે આવી જતા અકસ્માતની ઘટનામાં 22 વર્ષીય તુષાર મિશ્રા નામના યુવકનું મોત થયું છે. મૃતક તુષાર મિશ્રા ડાયમંડ કંપનીમાં રત્ન કલાકાર પરિવારમાં પિતા અને બે ભાઈઓ છે. પરિવારમાં તુષાર મિશ્રા નાનો ભાઈ છે. બંને ભાઇઓ બાઇક પર સરોલીથી માસમાં ગામ જઈ રહ્યા હતા ત્યારે તુષાર બાઇક ચલાવી રહ્યો હતો અને મોટો ભાઈ ગૌરવ પાછળની સીટ પર બેઠો હતો. જે દરમ્યાન અકસ્માત નડતા બે પૈકીના નાના ભાઈનું ઘટનામાં મોત થયુ હતું.
મૃતકના મિત્ર વર્તુળ પાસેથી મળતી જાણકારી અનુસાર,બંને ભાઈઓ કામેથી ઘરે પરત ફરી રહ્યા હતા, તે વેળાએ આ અકસ્માત નડ્યો હતો.સામેથી આવી રહેલા વાહનના લાઈટનો પ્રકાશ તુષારની આંખો પર પડતા એકાએક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.જેથી રસ્તા વચ્ચેથી પસાર થતાં ઢોર સાથે બાઈકનો અકસ્માત થયો હતો. ઘટનામાં ઇજાગ્રસ્ત બંને ને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત તુષારનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.જ્યારે ગૌરવને હાથના ભાગે ફ્રેક્ચર થતાં હાલ સારવાર હેઠળ છે. તુષારના મોતના પગલે પરિવારમાં હાલ શોકનો માહોલ છે. તુષારના લગ્ન હાલ જ થયા હતા અને પત્ની હાલ વતનમાં રહે છે.