મનપાની ચૂંટણી પહેલા અનામત બેઠકોનું નવું માળખું જાહેર, 6 જૂની અને 9 નવી મનપાની યોજાશે ચૂંટણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામતનો અમલ કરાયા બાદ જૂનાગઢ પછી હવે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાપાલિકા ઉપરાંત નવી બનેલી મહાપાલિકાઓની ચૂંટણી યોજાશે.

રાજ્યની જૂની છ મહાનગરપાલિકા અને નવી નવ મહાનગર પાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાય તેવી શક્યતા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામતનો અમલ કરાયા બાદ જૂનાગઢ પછી હવે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાપાલિકા ઉપરાંત નવી બનેલી મહાપાલિકાઓની ચૂંટણી યોજાશે.
રાજ્ય ચૂંટણી આયોગે છ મહાપાલિકાઓની વોર્ડ પ્રમાણે અનામત અને જનરલ બેઠકોનું માળખું જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાપાલિકાની 192 બેઠકો પર 33 ટકા અનામત મુજબ 96 બેઠકો મહિલાઓમાટે અનામત રાખવામાં આવી છે. સામાન્ય વર્ગ માટે 59 અને 133 બેઠકો અનામત રાખવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિ માટે 20, પછાત વર્ગ માટે 52 અને અનુસૂચિત આદિજાતિ માટે બે બેઠકો અનામત રખાઈ છે. આવી જ રીતે સુરત મહાપાલિકાની 120 બેઠકો પર 33 અનામત મુજબ 60 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. સામાન્ય વર્ગ માટે 40 અને 80 કુલ અનામત બેઠકો રાખવામાં આવી છે. અનુસૂચિત જાતિ માટે 3, પછાત વર્ગ માટે 32 અને અનુસૂચિત જનજાતિ માટે ચાર બેઠકો અનામત રખાઈ છે.
આવી જ રીતે વડોદરા મહાપાલિકાની 76 બેઠકો પર 33 ટકા મહિલા અનામત મુજબ 38 બેઠક રખાઈ છે. જ્યારે સામાન્ય વર્ગની 22 અને 54 અનામત બેઠક રખાઈ છે. જેમાં અનુસૂચિત જાતિ માટે પાંચ, પછાત વર્ગ માટે 21, અનુસૂચિત જનજાતિ માટે 3 બેઠક અનામત રખાઈ છે. જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો મનપાની કુલ 72 બેઠકો છે. 33 ટકા મુજબ 36 બેઠક અનામત છે. સામાન્ય વર્ગ માટેની 22 અને અનામતની 50 બેઠક છે. જેમાં અનુસૂચિત જાતિ માટે પાંચ, પછાત વર્ગ માટે 19 અને અનુસૂચિત જનજાતિ માટે એક બેઠક અનામત રખાઈ છે.
રાજ્યની 6 મહાપાલિકામાં બેઠકોનું રોટેશન જાહેર
રાજ્યમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની હોવાથી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ વેગવંતી બનાવવામાં આવી છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 6 મહાનગરપાલિકાઓની બેઠકોના રોટેશન જાહેર કરવામાં આવ્યા છે. આ રોટેશન વોર્ડ મુજબ જાતિ આધારિત ફાળવણી દર્શાવે છે. આ જાહેરાત દ્વારા સ્પષ્ટ થઈ ગયું છે કે, આ વખતે 27 ટકા OBC અનામતના અમલ સાથે ચૂંટણી યોજાશે. જોકે, તાજેતરમાં નવી બનાવવામાં આવેલી મહાનગરપાલિકાઓની બેઠકોનું રોટેશન જાહેર થવાનું બાકી છે.
પછાત વર્ગ માટે મોટો લાભ: 52 બેઠકો અનામત
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની કુલ 192 બેઠકો પર અનામતની ફાળવણી કરવામાં આવી છે. 27 ટકા OBC અનામત ના અમલના કારણે પછાત વર્ગ ને અમદાવાદમાં કુલ 52 બેઠકો ફાળવવામાં આવી છે, જેમાંથી 26 બેઠકો પછાત વર્ગની સ્ત્રીઓ માટે અનામત રહેશે. આ નિર્ણય રાજ્યમાં પછાત વર્ગના રાજકીય પ્રતિનિધિત્વને મજબૂત બનાવશે.





















