ખોડલધામના નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા મુદ્દે C.R. પાટીલે કહ્યું કે.........
સુરતઃ લેઉઆ પટેલ સમાજના આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગેની અટકળો ચાલી રહી છે.
સુરતઃ લેઉઆ પટેલ સમાજના આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગેની અટકળો ચાલી રહી છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે એવી અટકળો ચાલી રહી છે ત્યારે નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ મુદ્દે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું છે કે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં જોડાવા માટે સ્વતંત્ર છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું છે કે, મારી જાણ મુજબ હજી સુધી નરેશ પટેલે કોઈ પાર્ટીમાં જવાનો નિર્ણય કર્યો નથી. નરેશ પટેલના સત્તાવાર પ્રવકતાએ પણ જણાવ્યું છે કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે એવી અટકળો ભલે ચાલી રહી હોય પણ આવો કોઈ નિર્ણય હજુ સુધી લેવાયો નથી.
ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે ઉભી થયેલી અટકળો વચ્ચે થોડા દિવસ પહેલાં નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, અમારી ટીમ હાલ સર્વે કરી રહી છે. આ સર્વે બાદ અમે લોકોનો અને આગેવાનોનો મત જાણીને કઈ પાર્ટીમાં જોડાવું તે નક્કી કરીશું. આ પત્રકાર પરિષદમાં નરેશે એ વાત ચોક્કસ કહી હતી કે તેઓ રાજકારણમાં તો આવશે. પણ કઈ પાર્ટી સાથે જોડાઈને રાજકારણમાં આવશે તેનો નિર્ણય સર્વેના પરિણામ બાદ જ કરશે. ખોડલધામના નરેશભાઈ પટેલે કહ્યું કે તમામ રાજકીય પક્ષના નેતાઓ સંપર્કમાં છે. એપ્રિલના ત્રીજા સપ્તાહ સુધીમાં રાજકારણમાં જોડાવા અંગે નિર્ણય કરશું, સમગ્ર ગુજરાતમાં ખોડલધામનું નેટવર્ક છે અને જિલ્લા અને તાલુકા લેવલે સમિતી છે તેમાં સર્વે ચાલી રહ્યો છે.
કોંગ્રેસમાં જોડાવાની શક્યતા?
નરેશ પટેલે ભલે સ્પષ્ટ ના કર્યું હોય કે તેઓ કઈ પાર્ટીમાં જોડાશે પણ રાજકિય વર્તુળોમાં એ ચર્ચા ચાલી રહી છે કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે. થોડા દિવસ પહેલાં સમાચાર પત્રોમાં એ સમાચાર પણ ચમક્યા હતા કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે અને કોંગ્રેસ તેમને મુખ્યમંત્રી બનાવે તેવી પણ શક્યતાઓ જણાવાઈ હતી. એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે, નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માટે અશોક ગેહલોતની મહત્વની ભૂમિકા છે. પ્રશાંત કિશોરે સૂચવેલી ફોર્મ્યૂલાને કોંગ્રેસે સ્વીકારતા નરેશ પટેલની એન્ટ્રી નક્કી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.