ભાજપના દિગ્ગજ પાટીદાર નેતાનો નરેશ પટેલને ટોણો, 'સમાજ એટલે કોણ? સમાજ કોઈને કહેવા આવતો નથી'
પાટીદાર નેતા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઈને ભાજપના દિગ્ગજ પાટીદાર નેતાએ મોટો પ્રહાર કર્યો છે અને નરેશ પટેલને ટોણો મારતાં કહ્યું કે, 'સમાજ એટલે કોણ?
અમદાવાદઃ પાટીદાર નેતા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઈને ભાજપના દિગ્ગજ પાટીદાર નેતાએ મોટો પ્રહાર કર્યો છે અને નરેશ પટેલને ટોણો મારતાં કહ્યું કે, 'સમાજ એટલે કોણ? સમાજ કોઈને કહેવા આવતો નથી'. સંઘાણીએ હાર્દિક જેવી હાલત ન થાય તેવી નરેશ પટેલને શુભેચ્છા પણ તેમણે પાઠવી હતી. સમાજને પૂછીને રાજનીતિમાં આવવાની નરેશભાઈની વાતનો સંઘાણીએ છેડ ઉડાવ્યો હતો.
તેમણે ટોણો મારતાં કહ્યું કે, સમાજ એટલે કોણ? નરેશ પટેલ પહેલા મારી સાથે ચર્ચા કરે. જોકે. દિલીપ સંઘાણીના નિવેદનનને લલિત વસોયાએ વાહીયાત ગણાવ્યું. ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દે પલટવાર કર્યો હતો અને કહ્યું કે, નરેશ પટેલ રાજનીતિમાં આવે તો ભાજપની દુકાન બંધ થવાનો સંઘાણીને ડર છે. દિલીપભાઈએ સમાજને લૂંટ્યો અને છેતર્યો છે.
રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ટૂંક સમયમાં રાજકારણમાં પ્રવેશ કરવાનો નિર્ણય લેવાના સંકેત આપ્યા છે. આ સાથે તેમણે કોંગ્રેસ કે આપ નહીં, પરંતુ ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા હોય તેવું તેમની વાતચીત પરથી લાગી રહ્યું છે. નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, માર્ચના અંત સુધીમાં રાજકારણમાં જોડાવું કે નહીં તે ચર્ચાનો વિષય બનશે. યોગ્ય સમયે સમાજના અગ્રણીઓ કહેશે તો હું રાજકારણમાં જોડાઇશ. કઈ પાર્ટીમાં કેવી રીતે જોડાઇશ તે કહેવું આ સમયે યોગ્ય નથી. તેઓ પાટીદારો સામેના કેસો મુદ્દે સરકાર હકારાત્મક હોવાનું અને આ કેસો પરત ખેંચવા મુદ્દે હલચલ થઈ રહી હોવાનું પણ કહી રહ્યા છે, ત્યારે તેમનો ભાજપ તરફ ઝુકાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, સમય આવ્યે તેઓ રાજકારણમાં જોડાશે કે નહીં અને જોડાશે તો કઈ પાર્ટીમાં જોડાશે, તે ખબર પડશે. નોંધપાત્ર વાત એ છે કે, તેમણે માત્ર પાટીદારો સામેના કેસો નહીં, પણ તમામ સમાજના દીકરા-દીકરીઓ સામેના કેસો પાછા ખેંચવા રજૂઆત કરી છે.
નરેશ પટેલે કહ્યું કે, ભાજપ, કોંગ્રેસ અને આપે મને આમંત્રણ આપ્યું છે. દિલ્લીનો પ્રવાસ એકદમ છેલ્લી ઘડીએ નક્કી થયો હતો. દિલ્લીમાં કોઈ રાજકીય બેઠક થી નથી. પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવાની વાત મેં સરકારમાં કરી છે. સરકારે પણ મારી વાતને હકારાત્મક રીતે લીધી છે. મીડિયાએ તેમને પૂછ્યું હતું કે, ચર્ચાઓ ચાલી રહી છે કે, નરેશભાઈની માંગ એવી છે કે, પાટીદાર આંદોલનમાં જે કેસ થયા છે, તે પરત ખેંચ્યા બાદ જ રાજકીય પ્રવેશ કરશે, શું કહેશો?
આ પ્રશ્નના જવાબમાં નરેશ પટેલે કહ્યું કે, આવી કોઈ વાત નથી. જે પાટીદાર કેસો કરતાં દરેક સમાજના જે ખોટા કેસો થયા છે, એની મેં માંગ કરેલી છે અને આને ખૂબ પોઝીટિવ રીતે સરકારે લીધેલું છે. છેલ્લા 2 દિવસમાં સરકારી ધોરણે પણ આમાં હિલચાલ જોવા મળી છે. સીએમ ઓફિસથી ડાયરેક્ટ આદેશો આપવામાં આવે છે કે, દરેક સમાજના દીકરા-દીકરી પર છે, તેને તાત્કાલિક પણે વિધિ કરીને તાત્કાલિક પાછા ખેંચે તેવો આદેશ આપવામાં આવ્યો છે.