2015ના અનામત આંદોલન બાદ EWS મુદ્દે ફરી ઉગ્ર ચર્ચા, પાટીદાર ચિંતન શિબિર બાદ નવા આંદોલનની શક્યતા
વર્ષ 2015 ના આંદોલન બાદ જન્મેલા EWS મુદ્દે નવું મંથન; અલ્પેશ કથીરિયાનું નિવેદન, આગામી દિવસોમાં આંદોલનના એંધાણ.

Patidar Chintan Shibir 2025: ગુજરાતની રાજનીતિમાં આગામી સમયમાં મોટા ફેરફારોના સંકેત આપતી એક મહત્વપૂર્ણ ઘટના આજે ગાંધીનગર ખાતે બની. પાટીદાર સમાજના યુવાઓની ચિંતન શિબિરમાં સૌથી મુખ્ય મુદ્દો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં EWS (આર્થિક રીતે નબળા વર્ગ) અનામતનો રહ્યો. આ બેઠકમાં OBC, SC અને ST સમુદાયની જેમ EWS માં આવતા લોકોને પણ રાજકારણમાં અનામત મળે તેવી પ્રબળ માંગણી ઉઠી છે.
EWS અનામતની નવી લડાઈ
વર્ષ 2015 માં પાટીદારોને અનામત મળે તે માટે થયેલા આંદોલન બાદ ગુજરાતમાં EWS નો જન્મ થયો હતો, જેના કારણે સવર્ણ સમાજને અભ્યાસ અને નોકરીઓમાં 10 ટકા અનામત લાગુ કરવામાં આવી. હવે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) અને સરદાર પટેલ ગ્રુપ (SPG) બંને સંસ્થાઓના આગેવાનો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ EWS અનામતની માંગણી કરવામાં આવી છે. આ માંગણી સાથે ગુજરાતનો સવર્ણ સમાજ વધુ એક આંદોલન કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
અલ્પેશ કથીરિયાનું મહત્વનું નિવેદન
પાટીદાર યુવા નેતા અલ્પેશ કથીરિયાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, "દરેક જગ્યાએ આર્થિક રીતે નબળા લોકોને અનામત મળતી હોય તો સ્થાનિક ચૂંટણીમાં પણ મળવી જોઈએ." તેમણે ઉમેર્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EWS અનામત અંગે વિવિધ સમાજની માંગણી છે અને કોર્ટમાં પણ EWS અનામત માટે પીટીશન થયેલી છે. આ નિવેદન દર્શાવે છે કે આ મુદ્દો માત્ર પાટીદાર સમાજ પૂરતો સીમિત નથી, પરંતુ અન્ય સવર્ણ સમાજોનો પણ તેને ટેકો છે.
અન્ય મહત્વપૂર્ણ ચર્ચાઓ અને ભવિષ્યની રણનીતિ
આજની ચિંતન શિબિરમાં EWS અનામત ઉપરાંત અનેક સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાટીદાર સમાજની દીકરીઓના ભાગીને લગ્ન કરવાના મુદ્દા, પાટીદાર યુવાઓ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટામાં ન ઘેરાય તે માટેના ઉપાયો, ગોંડલ અને દૂધસાગર ડેરી સંબંધિત બનાવો, તેમજ સમાજની સામાજિક અને રાજકીય સુરક્ષા જેવા વિષયોનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ, આગેવાનો દ્વારા કયા મુદ્દે કેવી રીતે આગળ વધવું તેની રણનીતિ નક્કી કરવામાં આવશે. આ શિબિર પાટીદાર સમાજના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ દિશા નિર્ધારિત કરી શકે છે અને આગામી સમયમાં ગુજરાતની રાજનીતિમાં તેના પડઘા જોવા મળી શકે છે.





















