Diu: દીવમાં 200 કરોડની જમીન પર થયેલા દબાણો પર બૂલડોઝર ફેરવી દેવાયું
કેન્દ્રશાસિત પ્રદેશ અને પ્રવાસન સ્થળ દીવમાં જ્યાં 200 કરોડની જમીન પર થયેલા દબાણો પર બૂલડોઝર ફેરવી દેવાયું છે. દીવનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કર્યા બાદ દબાણો તોડવામાં આવી રહ્યા છે.
દીવ: કેન્દ્રશાસિત પ્રદેશ અને પ્રવાસન સ્થળ દીવમાં જ્યાં 200 કરોડની જમીન પર થયેલા દબાણો પર બૂલડોઝર ફેરવી દેવાયું છે. દીવનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કર્યા બાદ દબાણો તોડવામાં આવી રહ્યા છે. પ્રશાસક પ્રફુલ પટેલે સરકારી જમીનો પર જ્યાં દબાણો છે તે દૂર કરવા હુકમ કર્યો છે. લીઝ પર જે જમીનો અપાઈ છે તે પણ ખાલી કરાવાઈ રહી છે. કેટલાક લોકોએ લીઝ પૂર્ણ ન થઈ હોવાથી કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા અને ખાલી ન કરી. જોકે લીઝની જમીનો પર ખડકાયેલા બાંધકામ પ્રશાસને જમીનદોસ્ત કરી દીધા છે. આવનારા દિવસોમાં પણ દબાણ દૂર કરવાની કાર્રવાઈ યથાવત રહેવાના પ્રશાસકે સંકેત આપ્યા છે.
Surat: લકઝરી બસ સંચાલકોની દાદગીરી સામે કુમાર કાનાણીનો લેટર બોંબ, મુખ્યમંત્રીને પત્ર લખી કરી આ માંગ
સુરતમાં લક્ઝરી બસ સંચાલકોની દાદાગીરી સામે કુમાર કાનાણીનો વધુ એક લેટર બૉમ્બ સામે આવ્યો છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને સુરત શહેરમાં કતારગામ, વરાછા,પુણા વિસ્તારમાં સરકારી સ્લીપિંગ ST બસ ચાલુ કરવા માંગ કરી છે. સુરત શહેરમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ થી લાખો લોકો ધંધાર્થે સુરત ખાતે રહે છે, તેઓની વતનમાં અવર-જવર થતી હોય છે, તેઓને વતનમાં જવા-આવવા માટે પ્રાઇવેટ લક્ઝરી બસોનો આધાર લેવો પડતો હોય છે. પ્રાઇવેટ લક્ઝરી બસ માલિકો દ્વારા ભાડામાં પોતાની મનમાની ચલાવી મન પડે તેવા ભાડા વસુલવામા આવે છે, તો લોકોની એવી માંગણી છે, કે પ્રાઇવેટ બસોના રૂટોનો સર્વે કરી તે જ રૂટ પ્રમાણે સરકારી સ્લીપિંગ બસો શરૂ કરવી જોઈએ.
લકઝરી બસ સંચાલકો અને કુમાર કાનાણીના અહમમાં મુસાફરો પીસાયા, જાણો કાનાણીએ ભાડામાં કેટલા રૂપિયાના ઘટાડાની કરી માંગ ?
સુરતમાં આજથી એક પણ ખાનગી લક્ઝરી બસ પ્રવેશ કરશે નહીં. તમામ ખાનગી લક્ઝરી બસ સુરત શહેરની બહાર વાલક પાટિયાથી જ ઉપડશે અને ખાલી પણ ત્યાં જ થશે. આ નિર્ણય ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીના વિરોધ બાદ લક્ઝરી બસના માલિકોએ લીધો છે. જેને લઈ સુરતથી આવ-જાવ કરતાં મુસાફરોને 10થી 20 કિમી સુધી ફરીને જવું પડશે. આ પહેલા કુમાર કાનાણીએ પત્ર લખી પોલીસને રજૂઆત કરી હતી કે, સુરતમાં લક્ઝરી બસ સહિતના ભારે વાહનો પ્રવેશતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. ત્યારબાદ લક્ઝરી બસના 150થી વધુ માલિકોએ બેઠક કરી નિર્ણય કર્યો હતો કે, આજથી તમામ બસ સુરત શહેરની બહારથી જ ઉપડશે.
ધારાસભ્ય કુમાર કાનાણીએ શું કહ્યું
આજે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યું કે, લક્ઝરી બસના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે. લક્ઝરી બસ સંચાલકો શું ગોટાળા કરે છે તે મને બધી ખબર છે. હજી તો ટ્રાફિક DCPને પત્ર લખ્યો છે, હવે RTOને પત્ર લખીશ. બસ એસોસિયેશનનો ઈરાદો છે લોકોને હેરાન કરવું. બસ સંચાલકોનો આ નિર્ણય ગેરવ્યાજબી છે. ટ્રાફિકની સમસ્યા થી છુટકારો મળે એનું ધ્યાન રાખવું જોઈએ. લોકોને અપીલ કરું છું કે બસના સમય પહેલા તૈયાર રહે. લોકો હેરાન થઈ રહ્યા છે એ માટે તંત્ર સાથે મળી બી આર ટી એસ શરૂ કરવા સૂચના આપી. છે. બસ સંચાલકોએ મુસાફરોને વાલક પાટિયા ઊતારવા માટે 200 રૂપિયાનો ઘટાડો કરવો જોઈએ. લોકોની સામે દાદાગીરી કરવા માટે આ બસ ચાલકોની આડોડાઈ છે, મેં માત્ર લોકોની માંગણી, લોકોના પ્રશ્ન પોલીસને પહોંચાડ્યો હતો. ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળે એજ આશય છે.