Gujarat Rain: વાવાઝોડાના સંકટ વચ્ચે ગુજરાતના આ જિલ્લાઓમાં આજે તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ એલર્ટ
છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. અપર એર સાયલક્લોનિક સર્ક્યુલેશનને કારણે નૈઋત્યના ચોમાસા આગમન પહેલા જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. અપર એર સાયલક્લોનિક સર્ક્યુલેશનને કારણે નૈઋત્યના ચોમાસા આગમન પહેલા જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજ્યના હવામાન વિભાગે પણ આગામી સાત દિવસ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 50-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે.
આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, તાપી, ડાંગમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. આ સાથે જ દીવ, દીમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ આ સિસ્ટમની દિશા ઉત્તર તરફની રહેવાની શક્યતા છે. જેના કારણે આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા અને જે પણ દરિયામાં છે તેઓ પરત ફરે તેવી સૂચના આપી છે.
વાવાઝોડાની આફતને લઈ સરકાર એક્શનમાં
ગુજરાત પર સંભવિત વાવાઝોડાની આફતને લઈ સરકાર એક્શનમાં છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક કાર્યરત છે. દરિયાકિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. જૂનાગઢના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે માંગરોળ મત્સ્યઉદ્યોગ નિયામક કચેરીએ નિર્ણય કર્યો છે. 25 મે સુધી માછીમારી માટે દરિયામાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે.
વાવાઝોડાને લઇને સરકાર સતર્ક
સંભવિત વાવાઝોડાને લઈ રાજ્ય સરકાર સતર્ક બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી પ્રશાસને સતર્ક અને સજાગ રહેવા કહ્યું છે. સાથે જ 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચના આપી અને તકેદારીના ભાગરૂપે જરૂરી પગલા લેવા અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી તાકીદ કરી છે. તો આ તરફ સુરતમાં કંન્ટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જે કન્ટ્રોલ રૂમથી તમામ જિલ્લા પર નજર રાખવામાં આવશે. સાથે જ વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથે સલામતી પગલા ભરવા સૂચના આપી શકાય તે માટે કન્ટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે.





















