Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, કમોસમી વરસાદથી બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે, ખેડૂતો માવઠાથી પાયમાલ થયા છે.

અમદાવાદ : છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં વરસી રહેલા કમોસમી વરસાદથી બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો માવઠાથી પાયમાલ થયા છે. ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ પણ વરસાદ ખમૈયા કરવાનું નામ જ નથી લઈ રહ્યો. હવામાન વિભાગ અનુસાર, આજે પણ અનેક જિલ્લમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં છૂટા છવાયા વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમ નબળી પડતા વરસાદનું જોર ઘટશે. જોકે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં હજુ પણ 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ હજુ યથાવત રખાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, પરંતુ એક અઠવાડિયા સુધી વાતાવરણમાં મોટો ફેરફાર નહીં થાય અને તાપમાનમાં પણ કોઈ બદલાવ નહીં આવે.
રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, દ્વારકા, પોરબંદર, ભાવનગર, કચ્છ અને જૂનાગઢમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના આસપાસના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. એક અઠવાડિયા સુધી વાતાવરણમાં કોઈપણ વધારે બદલાવ જોવા નહીં મળે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આજથી બે દિવસમા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે.
આ તરફ રવિવારે દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ન વરસતા ગરમીનો પારો એક જ દિવસમાં છ ડિગ્રી સુધી ઉંચકાયો. અમદાવાદમાં રવિવારે મહતમ તાપમાનમાં શનિવારની તુલનાએ છ ડિગ્રીનો વધારો નોંધાયો. રવિવારના મહતમ તાપમાન 32.8 ડિગ્રી નોંધાયું તો લઘુતમ તાપમાન 4.1 ડિગ્રી વધીને 23.2 ડિગ્રી નોંધાયું.
રાજ્યમાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગના અનુમાન મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જો કે આ સિસ્ટમ પહેલા કરતા નબળી પડી ગઇ છે. જેના કારણે પવન અને વરસાદનું પ્રમાણ સોમવાર બાદ ધીમે ધીમે ઘટવા લાગશે જો કે હજુ આગામી 24 કલાક આ સિસ્ટમની અસર વર્તાશે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે.





















