Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: ભારે વરસાદના કારણે સિરાજ બેકરી વિસ્તારમાં સફાયર એપાર્ટમેન્ટ પાછળ પાણી ભરાયા હતા.
Rain: વલસાડ શહેર અને તાલુકામાં વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે સિરાજ બેકરી વિસ્તારમાં સફાયર એપાર્ટમેન્ટ પાછળ પાણી ભરાયા હતા. સફાયર એપાર્ટમેન્ટ આસપાસના વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. સિરાજ બેકરી વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે. ઘરોમાં પાણી ઘૂસતા સિનિયર સિટીઝનો હેરાન-પરેશાન થયા હતા.
વલસાડ તાલુકા અને શહેરમાં વરસાદ પડી રહ્યો છે જેને પગલે વલસાડ શહેરના અમુક વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા હતા વલસાડની સિરાજ બેકરી પાછળના વિસ્તારમાં સફાયર એપાર્ટમેન્ટ અને અન્ય ઘરોમાં પાણી ભરાતા ત્યાં રહેતા સિનિયર સિટીઝનો ની હાલત કફોડી બની હતી. તેમ છતાં વલસાડ નગરપાલિકાના કર્મચારીઓનું પેટનું પાણી પણ હલતું નથી અને લોકોને ઘર વરસાદમાં પોતાના ઘરમાં જ પાણી વચ્ચે રહેવા મજબૂર કરી દે છે. સ્થાનિકોએ વલસાડ નગરપાલિકાથી લઈને ગાંધીનગર સુધી ફરિયાદ કરી છે પરંતુ હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી. એક ઘરમાં વૃદ્ધ મહિલા જેના ઘરમાં પાણી ભરાયા છે એ માત્ર આજીજી કરતા રહ્યા કે કોઈને પણ બોલાવીને અહીંથી પાણી નીકળે એવી વ્યવસ્થા કરાવી આપો.
વલસાડ પાલિકાનો મીનીડેમ ઓવરફ્લો થયો હતો. ઔરંગા નદી પર બનેલો આ ડેમ ઓવર ફ્લો થયો હતો. વલસાડ શહેરને આ ડેમમાંથી પીવાનું પાણી પૂરું પડાય છે. વલસાડ જિલ્લામાં ચાર દિવસથી મેઘરાજાની મહેર યથાવત છે. કપરાડા તાલુકામાં પસાર થતા નદી- નાળામાં નવા નીર આવ્યા હતા. સીલધા નજીક આવેલો માવલી ધોધ પણ જીવંત થયો હતો.
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલીમાં ૧૪ ઇંચ, વિસાવદરમાં ૧૩ ઇંચ જૂનાગઢ શહેરમાં ૧૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે બે જૂલાઇ 2024ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૪૩ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ૩૨ તાલુકાઓ એવા છે કે જેમાં ૦૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.