Republic day 2022 : ગીર સોમનાથ ખાતે ઉજવાશે રાજ્ય કક્ષાનો 73મો પ્રજાસત્તાક પર્વ, ૧૮ પ્લાટુન બનાવીને ભવ્ય પરેડનું આયોજન
સોમનાથ ખાતે રાજયકક્ષાના ૭૩માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. ૧૮ પ્લાટુન મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સલામી આપશે. ૧૮ પ્લાટુન બનાવીને ભવ્ય પરેડનું આયોજન કરાયું છે.
ગીર સોમનાથઃ સોમનાથ ખાતે રાજયકક્ષાના ૭૩માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. ૧૮ પ્લાટુન મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સલામી આપશે. સુરક્ષા વિભાગની વિવિધ પાંખો દ્વારા ૧૮ પ્લાટુન બનાવીને ભવ્ય પરેડનું આયોજન કરાયું છે. ધ્વજવંદન બાદ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુલ્લી જીપ્સીમાં પરેડ નિરીક્ષણ કરશે.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોના નિયમનું ચુસ્ત પાલન કરવું પડશે, જેમાં નેવીના કમાન્ડો, સમગ્ર રાજ્યભરની વિવિધ જિલ્લાની પોલીસ પ્લાટુન, મહિલા પોલીસ પ્લાટુન, શ્વાન દળ, અશ્વદળ, એન.એસ.એસ યુનિટ, તેમજ વિવિધ સુરક્ષાદળો જોડાશે. પોલીસ બેન્ડ પાર્ટી દ્વારા ધ્વજવંદન અને પરેડમાં ઉત્સાહ વર્ધક ધૂનો દ્વારા વાતાવરણની શોભામાં અભિવૃદ્ધિ કરાશે.
પ્રજાસત્તાક દિન પહેલાં જાહેર કરાયેલા પ્રેસિડેન્ટ્સ પોલિસ મેડલ માટે ગુજરાતના ત્રણ પોલિસ અધિકારીની પસંદગી કરાઈ છે. આ પૈકી આઈપીએસ અધિકારીઓમાં નરસિંહા કોમર અને રામ મીણાની પસંદગી કરાઈ છે. આ ઉપરાંત પીએસઆઈ ભરતસિંહ વાઘેલાનુ પ્રેસીટેંડ પોલીસ મેડલ માટે નામ જાહેર થયું છે.
નરસિંહા કોમર હાલમાં એડિશનલ ડીજીપી (લો એન્ડ ઓર્ડર) હોદ્દા પર કાર્યરત છે જ્યારે રામ મીણા ગાંધીનગરમાં એસીબીમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ભરતસિંહ વાઘેલા પણ પ્રેસીટેંડ પોલીસ મેડલથી સન્માનિત થશે. પ્રજાસત્તાક દિનના આગલા દિવસે કેંદ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલી યાદીમાં ગુજરાતના ત્રણ પોલીસ અધિકારીનો સમાવેશ કરાયો છે.