Navsari: બીલીમોરામાં SMCની ટીમ પર બિશ્નોઇ ગેંગનું ફાયરિંગ, સ્વબચાવમાં પોલીસે એકના પગમાં ગોળી મારી
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને શાર્પશૂટર ગેંગના શખ્સો વચ્ચે ઘર્ષણ થયું હતું.

નવસારી: નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. SMC અને કુખ્યાત બિશ્નોઇ ગેંગ વચ્ચે ફાયરીંગની ઘટના બની છે. જેમાં એકને ગોળી વાગતા બીલીમોરા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. ત્રણની ધરપકડ SMC દ્વારા કરવામાં આવી છે. 3 વેપન અને 27 કારતુસ SMC દ્વારા કબજે કરવામાં આવ્યા છે. ચાર પૈકી એક મધ્યપ્રદેશ અને ત્રણ રાજસ્થાનના હોવાની માહિતી સામે આવી છે.
શહેરની હોટલમાં હથિયારોની ડિલિવરી કરવા આવેલા શખ્સોને પકડવા માટે ગયેલી પોલીસ ટીમ પર આ ખતરનાક બિશ્નોઇ ગેંગ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગેંગના સભ્યો દ્વારા ફાયરિંગ બાદ પોલીસે પણ સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન એક ગેંગના સભ્યના પગમાં ગોળી લાગી હતી.
સામ-સામે ગોળીબાર થયો હતો
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરની ઘટના છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને શાર્પ શૂટર ગેંગના શખ્સો વચ્ચે સામ-સામે ગોળીબાર થયો હતો. આ દમરિયાન પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું. બીલીમોરાના જાણીતા સોમનાથ મહાદેવના મંદિર કેમ્પસમાં ઘટના બની હતી. હથિયારો આપવા આવેલા અને હોટલમાં રોકાયેલા શખ્સોને પકડવા જતા ઘર્ષણ થયું હતું.
એકને પગના ભાગે ગોળી વાગી
હથિયારો આપવા આવેલા પાંચ પૈકી એકને પગના ભાગે ગોળી વાગતા સારવાર માટે ખસેડાયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપરાંત નવસારી જિલ્લાની એજન્સીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે. પકડાયેલા શખ્સો કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા હોવાનું પ્રથમ તારણ છે. ગોળીબાર થતા બીલીમોરા પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
SMCની ટીમ અને અન્ય એજન્સીઓ સાથે આ શખ્સોને ઝડપવા માટે હોટલ પર પહોંચી હતી. પોલીસે ઘેરાબંધી કરતા જ ગેંગના શખ્સોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જોકે, પોલીસે પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા અને સ્વ-બચાવ માટે વળતો ફાયરિંગ કર્યો હતો. પોલીસ દ્વારા કરાયેલા ફાયરિંગમાં હથિયારો આપવા આવેલા પાંચ ઈસમો પૈકીના એક શખ્સને પગમાં ગોળી વાગી હતી. ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
બીલીમોરા શહેરમાં બનેલી આ ઘટનાને લઈ ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાની ગંભીરતાને જોતા સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપરાંત નવસારી જિલ્લાની અન્ય પોલીસ એજન્સીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તારણ મુજબ, ઝડપાયેલા આ શખ્સો કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરશે ત્યારબાદ સત્ય સામે આવશે.





















