જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
25 સપ્ટેમ્બર 1947 જૂનાગઢને આઝાદ કરાવવા માટે મુંબઈના માધવબાગમાં આગેવાનો ભેગા થયા અને આરઝી હકૂમતની સ્થાપના કરવામાં આવી.
જૂનાગઢની પ્રજામાં નવાબ સામે આક્રોશ હતો તેની પાછળનું કારણ હતું શાહનવાઝ ભુટ્ટો. 1947માં જૂનાગઢની આઝાદી માટેનો સંઘર્ષએ ભારતની સ્વતંત્રતા ચળવળના ઈતિહાસનો એક અનોખો અધ્યાય છે. દેશના તમામ રજવાડાઓથી વિપરીત જૂનાગઢ જેવુ નવાબી રાજય એક મોટો રાજકીય પડકાર ઊભો કરશે તેનો અંદાજ કોઈને નહોતો. જૂનાગઢની ભારત સાથેની ભૌગોલિક નિકટતા અને મુખ્યત્વે હિંદુ વસ્તી હોવા છતાં પાકિસ્તાનમાં પ્રવેશવાના નિર્ણયની જાહેરાત દિવસેને દિવસે અશાંતિ ફેલાવતી હતી. નવાબને કોઈપણ વ્યકિત મળી શકતી નહી તેથી હવે જૂનાગઢની બાગડોર શાહનવાઝ ભુટ્ટોના હાથમાં હતી. જૂનાગઢના શાહી મહેલમાં હવે દિવાન શાહનવાઝ ભુટ્ટોનું રાજ ચાલવા લાગ્યુ હતુ. ભુટ્ટોના ઈશારે જૂનાગઢ નવાબની સેનાના જવાનો તેમની મનમરજી ચલાવવા લાગ્યા હતા. જૂનાગઢના નવાબને સમજાવવા સહેલા હતા પરંતુ જૂનાગઢની પ્રજા તેમના વિશ્વાસને માત્ર બે મહિનામાં ધુળધાણી કરી નાંખશે તેનો અંદાજ ખુદ ભુટ્ટોને પણ નહોતો.
(નવાબ મહાબત ખાન ત્રીજા અને શાહનવાઝ ભુટ્ટો)
એક સાંજે જૂનાગઢના દીવાન શાહનવાઝ ભુટ્ટો પોતાના મહેલમાં બેઠા છે. મહેલની ઉંચી ઉંચી દિવાલો અને સાગના દરવાજા વચ્ચે દિવાનખંડમાં મોંઘી જાજમ પર નકશી કામ કરેલા સોફા સેટ ગોઠવેલા છે. મસમોટા ઝુમ્મરોની આછી રોશની જોવા મળી રહી છે. દિવાન શાહનવાઝ ભુટ્ટો કોઈ ચિંતામાં બેઠા-બેઠા ચાંદીના નાળચુ ધરાવતા તેમનો પ્રિય હુક્કો પી રહ્યા છે. તેમના મનમાં કોઈ મોટી રાજરમત ચાલી રહી છે. નવાબને પાકિસ્તાનમાં જૂનાગઢ ભેળવવાનો નિર્ણય તો કરાવી લીધો પરંતુ હવે પ્રજાનો આક્રોશને કઈ રીતે શાંત કરવો તેની ચિંતા તેમને સતાવી રહી છે. દરવાનને તેમના ખાસ અમલદારને બોલાવાનુ કહી તેઓ હુક્કો ગટગટાવી રહ્યા છે. આ દરમિયાન દરવાન અંદર આવીને કુરનીશ બજાવતા જણાવે છે કે જેમની રાહ જોતા હતા તે લશ્કરના અમલદાર આવી ગયા છે. ભુટ્ટોની આંખમાં થોડી ચમક આવી જાય છે. અમલદારને અંદર મોકલવાનુ કહી તે સ્વસ્થ થાય છે. થોડીક્ષણમાં અમલદાર અંદર આવી ભુટ્ટોને સલામ કરે છે. ભુટ્ટો તેમને આવકાર આપી બેસવા માટે કહે છે. થોડીક્ષણ માટે નિરવ શાંતિ જોવા મળે છે. બાદમાં સ્વસ્થ થઈ ભુ્ટ્ટો અમલદાર સાથે વાતચીત કરે છે. જનાબ નવાબ પાકિસ્તાન જતાં રહ્યા છે ત્યારે જૂનાગઢ રાજને બચાવવા માટે આપણેે યોગ્ય કામગીરી કરીશુ તો આપણું નામ ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. તમે જાણો છો કે નવાબે પાકિસ્તાનમાં ભળવાનો નિર્ણયનો પ્રજા વિરોધ કરી રહી છે ત્યારે આપણે આ વિરોધને શાંત કરવા માટે જે કંઈ પણ કરવુ પડે તે કરવા અમલદારને સુચના સાથે આદેશ આપે છે. દિવાન સાહેબ આપ ચિંતા ન કરો સબસલામત થઈ જશે તેવા આશ્વાસન સાથે અમલદાર વિદાય લે છે.
શાહનવાઝ ભુટ્ટો અને તેના પરિવારનો પાકિસ્તાનના સિંધમાં ખૂબ દબદબો હતો. તેથી જૂનાગઢમાં 1947ની શરુઆતમાં જયારે તેઓ આવ્યા ત્યારે તેમના વફાદર માણસો અને ડફેરોને પણ સાથે લાવ્યા હતા. આ ડફેર આસપાસના વિસ્તારોમાં પોતાની હાક જમાવતા ગયા હતા. ભુટ્ટો નવાબનો વિશ્વાસ જીત્યા બાદ દિવાન બન્યા અને ત્યારબાદ તેઓ જેમ-જેમ મજબૂત બનીને પોતાની પકકડ વધારતા ગયા તે તેમ સિંધના ડફેરો વધુ મજબુત થતા ગયા. ડફેરોનો ત્રાસ જૂનાગઢના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ પોલીસ પટેલમાં વધવા લાગ્યો હતો. સિંધના ડફેરો જૂનાગઢ, કુતિયાણા, માણાવદર, બાંટવા અને સરદરગઢ જેવા વિસ્તારોમાં પોતાની ગેરપ્રવૃતિઓ માટે ખૂબ કુખ્યાત થતા જતા હતા. શાહનવાઝ ભુટ્ટો જાણતા હતા કે જૂનાગઢના નવાબને પાકિસ્તાનમાં ભળવા માટે જેમ મનાવ્યા તેમ પ્રજાને મનાવવી એ લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતી છે. આ માટે હવે તેઓ લશ્કરની સાથે ડફેરોનો સાથ સહકાર લેવાનુ વિચારે છે. શાહનવાઝ ભુટ્ટોના એક બોલ પર ડફેરો પ્રજા વચ્ચે અમાનુષી ત્રાસ ગુજારતા હતા. કોઈપણ વિરોધીને પોતાની શાન પ્રમાણે સમજાવી જનઆક્રોશને કાબુમાં રાખી શકાશે તેવો વિશ્વાસ ભુટ્ટોને હતો.
(શાહનવાઝ ભુટ્ટો)
ભુટ્ટો દિલ્હીમાં પોતાના રાજકીય વાર્તાલાપ વચ્ચે તેમના ખાસ ડફેરોને છુટ્ટો દોર આપે છે. જેથી પ્રજાનો આક્રોશ કોઈપણ હિસાબે શાંત કરી શકાય. બીજી તરફ ભારત સરકારે જૂનાગઢને લઈને વિરોધ દર્શાવ્યો. સરકારની દલીલ હતી કે જૂનાગઢની 80 ટકા પ્રજા હિન્દુ હોય તેને પાકિસ્તાન ભેળવવુ ગેરવ્યાજબી છે. આ તરફ નવાબના નિર્ણયથી જૂનાગઢ પાકિસ્નતાનમાં જશે તેવા સમાચારથી જૂનાગઢવાસીઓ પણ હિજરત કરવાનુ શરુ કર્યુ. જોકે જૂનાગઢના સ્થાનિક આગેવાનોએ જૂનાગઢને કોઈપણ હિસાબે પાકિસ્તાનમાં જતાં અટકાવવાનો નિર્ધાર કર્યો અને એક ચળવળ અસ્તિત્વમાં આવી જે હતી આરઝી હકૂમત.
મુંબઈમાં આરઝી હકૂમતની સ્થાપના થઈ
મહાત્મા ગાંધીએ આરઝી હકૂમતની સ્થાપનાના એક દિવસ પહેલા યોજાયેલી પ્રાર્થનાસભામાં કહ્યું જૂનાગઢ પાકિસ્તાનસે જાના ચાહિયે. બરાબર તેના બીજા દિવસે એટલે કે 25 સપ્ટેમ્બર 1947 જૂનાગઢને આઝાદ કરાવવા માટે મુંબઈના માધવબાગમાં આગેવાનો ભેગા થયા અને આરઝી હકૂમતની સ્થાપના કરવામાં આવી. આરઝી હકૂમતના પ્રમુખ તરીકે મહાત્મા ગાંધીના ભત્રીજા અને વંદે માતરમ દૈનિકના સંપાદક એવા શામળદાસ ગાંધીની નિમણૂક કરવામા આવી. શામળદાસ ગાંધી કટ્ટર રાષ્ટ્રવાદી વિચાર ધરાવતા વ્યકિત હતા અને તેમના રાજકિય અનુભવને પગલે તેમને સર્વાનુમતે આરઝી હકૂમતના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આ ચળવળની રુપરેખા કનૈયાલાલ મુનસીએ તૈયાર કરેલી આરઝી હકૂમતને સંપૂર્ણ બંધારણીય સ્વરૂપ આપવાના ઉદેશ હતો તેથી તેમાં માત્ર જૂનાગઢ રાજ્યના લોકોને જ સમાવવામાં આવ્યા હતા.
(શામળદાસ ગાંધી અને આગેવાનો)
જૂનાગઢની આરઝી હકૂમતની કમાન શામળદાસ ગાંધીને સોંપાયા બાદ રતુભાઇ અદાણી, બાબરીયાવાડના સુરગભાઈ વરુ, અમૃતલાલ શેઠ સહિત અનેક નામી-અનામી આરઝી હુકૂમતના સ્વાતંત્ર સેનાઓ જોડાયા. આગેવાનોએ જૂનાગઢને આઝાદી આપાવવા માટે રણનીતિ ઘડીને તેનો યોગ્ય અમલ કરાવવા જૂનાગઢ આસપાસના રજવાડાઓનો સંપર્ક, મદદ અને સલાહ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો. જૂનાગઢ આસપાસ જેતપુર, પીઠડીયા, બિલખા, મેંદરડા, માનપુર અને ભેંસાણ જેવા કાઠી દરબારોના રજવાડા હતા. બીજી તરફ માંગરોળ, માણાવદર, બાંટવા, સરદારગઢ જેવા નવાબી શાસકો હતા. મુંબઈમાં જૂનાગઢ રાજયની સમાંતર સરકારની ઘોષણા કરવામાં આવી જેમાં કુતિયાણાના શામળદાસ ગાંધીને પ્રધાનમંત્રી, અમરેલીના રતુભાઈ અદાણીને સરસેનાપતિ, વડીયાના દુર્લભજી ખેતાણીને નાયબ પ્રધાનમંત્રી, અમરાપરના મણીલાલ દોશીને ગૃહમંત્રી, બાબરીયાવાડના કાઠી દરબાર સુરગભાઈ વરુને સંરક્ષણ પ્રધાન અને કેશોદના નરેન્દ્રભાઈ નથવાણીને કાયદાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.
(આરઝી હકૂમતની સ્થાપના બાદ પાંચ જ દિવસમાં પ્રથમ કબજો કરી વિજયનો જયજયકાર કયાં કર્યો તે અંગે વાંચીશું આગળના ભાગમાં)
નવાબ મહાબત ખાનને ભારે પડ્યો પોતાનો આ નિર્ણય, જાણો જૂનાગઢની આઝાદીનો રસપ્રદ ઈતિહાસ
જૂનાગઢના નવાબ મહાબત ખાનના નવાબી ઠાઠમાઠની વાતો વાંચી તમે પણ ચોંકી જશો