ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ખાનગી શાળાઓ FRCએ નક્કી કરેલી ફી છૂપાવી વાલીઓ પાસેથી વધુ રકમ વસૂલતી હોવાની અનેક ફરિયાદો સામે આવી હતી.

ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની મનમાની ચાલશે નહીં. FRCએ 5,780 શાળાની નિયત ફી ઓનલાઈન જાહેર કરી હતી. ખાનગી શાળાઓ FRCએ નક્કી કરેલી ફી છૂપાવી વાલીઓ પાસેથી વધુ રકમ વસૂલતી હોવાની અનેક ફરિયાદો સામે આવી હતી. ગેરરીતિ પર અંકુશ મૂકવા માટે હવે ફી રેગ્યુલેટરી કમિટી એ મોટો અને પારદર્શક નિર્ણય લીધો હતો. અમદાવાદ સહિત ગુજરાતની 5,780 ખાનગી શાળાની નિયત ફી FRCની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી હતી. હવે કોઈ પણ ખાનગી સ્કૂલ ફીનો ઓર્ડર છૂપાવી શકશે નહીં અને વાલીઓ ઘર બેઠાં જ સ્કૂલની મંજૂર ફી જોઈ શકશે. વાલીઓ FRCની સત્તાવાર વેબસાઇટ frcgujarat.org પર જઈ જિલ્લો/મ્યુનિસિપલ વિસ્તાર, બોર્ડ, માધ્યમ અને સ્કૂલનું નામ પસંદ કરીને ફીનો ઓર્ડર જોઈ શકશે.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સ્થિતિ વધુ કડક બની છે. હવે FRC દ્વારા નક્કી કરેલી ફી સિવાય કોઈ પણ પ્રકારની વધારાની રકમ વસૂલવી ગેરકાયદે ગણાશે. નવા ઓર્ડરમાં એડમિશન કે ટર્મ ફી માટે અલગથી કોઈ છૂટ આપવામાં આવી નથી, એટલે નિયત ફી સિવાય એક પણ રૂપિયો વસૂલવાનો રસ્તો બંધ થયો છે.
નોંધનીય છે કે વર્ષ 2017માં ફી નિયમન કાયદો અમલમાં આવ્યો હોવા છતાં ઘણી શાળાઓ એડમિશન ફી, ટર્મ ફી કે ઈતર પ્રવૃત્તિઓના બહાને વાલીઓ પાસેથી વધારાના રૂપિયા વસૂલે છે. અગાઉ શાળાઓને તેમના નોટિસ બોર્ડ પર ફીનો ઓર્ડર લગાવવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ મોટાભાગની શાળાઓ આ આદેશનું ઉલ્લંઘન કરતી હતી. જો કોઈ શાળા મંજૂર થયેલી ફી કરતા વધુ રકમની માંગણી કરે, તો વાલીઓ સીધા શિક્ષણ વિભાગમાં પુરાવા સાથે ફરિયાદ કરી શકશે.
અમદાવાદમાં શાળાઓમાં 'નો જંક ફૂડ મિશન'
અમદાવાદની શાળાઓમાં 'નો જંકફૂડ મિશન' શરૂ કરાશે. વિદ્યાર્થીઓ ઘરે બનેલું જમવાનું જ લઈ જઈ શકશે. બાળકોમાં વધતી જંકફૂડની આદત અને તેના કારણે વધતી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પર અંકુશ મુકવા માટે શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ ‘લંચબોક્સમાં નો જંકફૂડ’ કેમ્પેઇન શરૂ કરાશે. આ કેમ્પેઇનમાં શહેરની 1500થી વધુ સ્કૂલોના 2 લાખ જેટલા વિદ્યાર્થીઓને સાંકળી લેવાશે. વાલીઓને સગવડતા માટે બાળકોને જે ખોરાક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે તેના વિશે માહિતી અપાશે, આ માટે અમદાવાદ શહેરના ડાયટેશિયન અને બાળકોના ડોક્ટરોની પણ મદદ લેવાશે. વાલીઓને ઓનલાઇન માર્ગદર્શન માટે ખાસ વ્યવસ્થા કરાશે. બાળકોમાં ખાન-પાનની ટેવો સુધારવા માટે સ્કૂલો દ્વારા યોગ્ય કામગીરી કરવી જરૂરી છે પરંતુ હાલમાં મોટા ભાગની સ્કૂલોમાં માત્ર પેક્ડ ફૂડ પર જ પ્રતિબંધ લગાવાયો છે. જ્યારે જંકફૂડ પર કોઇ પ્રતિબંધ લગાવાયો નથી.
આ સ્થિતિમાં સ્કૂલોએ પેક્ડ ફૂડની સાથે જંકફૂડ પર લાવવા પર પણ કડક કાર્યવાહી કરવી પડશે. જો બાળકોને જંકફૂડથી દૂર રાખવા હશે તો સ્કૂલ સંચાલકોએ સક્રિય ભાગીદારી કરવી પડશે. એક અંદાજ મુજબ, અમદાવાદમાં 10-15 વર્ષના શાળાએ જતા બાળકો અઠવાડિયામાં 3થી 4 વાર ચિપ્સ, સમોસા, ફ્રેચ ફ્રાય જેવા જંકફૂડ આરોગે છે. આવા વિદ્યાર્થીઓમાં મેદસ્વિતાનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. તાજેતરમાં DEOએ પણ પરિપત્ર બહાર પાડી શાળાઓને સૂચના આપી હતી કે, તેઓ પણ વાલીઓને આ બાબતે જાગૃત કરી અને લંચ બોક્સમાં ઘરે બનેલી વાનગી જ આપે.





















