Gujarat Rain: દહેગામમાં વીજળીના કડાકા-ભડાકા સાથે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ
વીજળીના કડાકા અને ભડાકા સાથે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં જળ બંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેર સહિત તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં જળ બંબાકારની સ્થિતિ જોવા મળી હતી. સાડા બાર વાગ્યાથી શરૂ થયેલો વરસાદ દોઢ વાગ્યા સુધીમાં એક કલાકમાં ત્રણ ઇંચ ખાબક્યો છે.
અનેક વિસ્તારમાં ભરાયા પાણી
દહેગામમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતા શહેરના નાંદોલ રોડ, પથિકાશ્રમ, પૂર્ણિમા સ્કૂલનો ઢાળ, મોડાસા રોડ ઉપરાંત નેહરુ ચોકડી, અનુરાધા સોસાયટી, હરિઓમ સોસાયટી, વૈભવ કોમ્પ્લેક્સ, પુરુષોત્તમ ધામ જેવા રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો પરેશાન થયા છે. પૂર્ણિમાં હાઇસ્કુલમાં વરસાદી પાણી પ્રવેશ્યા હતા.
ભારે વરસાદને પગલે ગાંધીનગર રોડ પર આવેલા રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગાંધીનગર શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ખૂબ જ લાંબા વિરામ બાદ ગાંધીનગર શહેરમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ શરુ થયો છે. ભારે વરસાદને લઈ અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. અમૂક જગ્યાએ રોડ પર એક ફૂટ સુધીના પાણી ભરાયા હતા.
લાંબા વિરામ બાદ રાજ્યના કેટલાક વિસ્તારમાં મેઘમહેર થઈ છે. અમરેલી, સાબરાકાંઠા, નર્મદામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ડેડીયાપાડાના ડુમખલ કોકમ વચ્ચેના પુલ પર પાણી ફરી વળ્યા છે.
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આજે અમદાવાદ શહેરમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે વરસાદ પડશે. આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સુરતમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભરુચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, મહીસાગર અને ભરુચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. ભરુચમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
અમદાવાદ શહેરમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
Gujarat Rain Update: વિરામ બાદ મેઘરાજનો બીજો રાઉન્ડ શરૂ, આ જિલ્લામાં મનમૂકી વરસ્યો વરસાદ