(Source: ECI/ABP News/ABP Majha)
Unseasonal Rain : રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં વરસશે ભારે વરસાદ
Unseasonal Rain : હવામાન વિભાગના મતે કમોસમી વરસાદને લઈ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે.
Unseasonal Rain : રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. બપોર બાદ વરસાદનું જોર ઘટી શકે છે.અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે. 24 કલાક હજુ પણ 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના મતે કમોસમી વરસાદને લઈ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ઘમરોળી નાંખ્યું હતું. રાજ્યનાં 220 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં 44 તાલુકાઓમાં તો એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોધિકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
બનાસકાંઠા, સાબરકાંઠા , અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી સહિત તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભાભર અને રાધનપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદથી ખેતરમાં રહેલા શિયાળુ પાકને નુકસાનની ભીતી સેવાઈ રહી છે.. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં કપાસ, ઘઉં, મગફળી જેવા પાકનું વાવેતર થયેલું છે. જ્યાં વરસાદ વરસતા ખેડૂતોને પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની આશંકા છે. ભર શિયાળે ખેડૂતોનાં ખેતરમાં વરસાદી પાણી ભરાયા હતા.
વંથલી, તાલાલા અને અંકલેશ્વરમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 36 તાલુકામાં એકથી પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ આજે રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી 13 લોકોના મૃત્યુ થયા છે. વીજળી પડવાની ઘટનાથી દાહોદમાં 3, ભરૂચમાં 2, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા ,પંચમહાલ,બોટાદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 1-1 માનવ મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી કુલ 39 પશુઓના મૃત્યુ નોંધાયા છે. સૌથી વધુ પશુ મૃત્યુ ખેડામાં 15 પશુઓના મૃત્યુ નોંધાયા છે.
રાજકોટમાં બપોર બાદ ફરી કરા સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે. શાપર, પારડી અને શહેરના કેટલાક વિસ્તારમાં કરા પડ્યા છે. જેના કારણે ખેતીપાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજકોટના ગોંડલમાં ગાજવીજ સાથે કરા પડ્યા. કરા સાથે વરસાદ પડતા જીરૂ,ચણા, ધાણા સહિતના શિયાળુ પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદના પગલે શહેરના રાજમાર્ગો પર ચોમાસા જેવો માહોલ છવાયો છે.