Accident News: ગુજરાતમાં માર્ગ અકસ્માતોનું તાંડવ; મહેસાણા-પાટણમાં 5 મોત, તંત્રની નિષ્ફળતા સામે સવાલો
Gujarat Acident News: મહેસાણામાં ટ્રક નીચેથી 14 કલાક બાદ મૃતદેહ કાઢવામાં આવ્યો; પાટણમાં રિક્ષા-ટેમ્પો અથડામણમાં 3 ના મોત.

Gujarat Accident News: રાજ્યમાં જુદા જુદા માર્ગ અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે, જેમાં મહેસાણા અને પાટણમાં કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે સંજેલી ખાતે એક એસટી બસ પણ અકસ્માતનો ભોગ બની છે.
મહેસાણામાં ટ્રક અકસ્માત: 14 કલાક બાદ મૃતદેહ મળ્યો
મહેસાણા-મોઢેરા રોડ પર મોટપ ચોકડી પાસે રાત્રે 10 વાગ્યાના સુમારે એક તેજ રફ્તાર ટ્રક ચાલકે ઊભેલી બીજી ટ્રકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. જોકે, અકસ્માત બાદ 12 કલાકથી પણ વધુ સમય વીતી જવા છતાં, એક ટ્રક ચાલકનો મૃતદેહ ટ્રક નીચે દબાયેલો રહ્યો હતો. જિલ્લા પ્રશાસન તરફથી તાત્કાલિક મદદ ન મળતા, 14 કલાકની લાંબી રાહ જોયા બાદ હાઈ ક્રેન મંગાવીને ટ્રકને ઊંચકવામાં આવી અને ત્યારબાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં મહેસાણા પ્રશાસન પર માનવતા ભૂલ્યા હોવાના આક્ષેપો પણ થયા છે.
સંજેલીમાં ST બસનો અકસ્માત: સિંગલ પટ્ટી રોડ બન્યો મુશ્કેલીનો કારણ
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચમારીયા વળાંકમાં ગઢસીસા-સંતરામપુર-સંજેલી રૂટની એક એસટી બસ અકસ્માતનો ભોગ બની હતી. અચાનક એક ડમ્પર સામે આવી જતા, બસના ડ્રાઇવરે તેને બચાવવા માટે પ્રયાસ કર્યો, જેના કારણે બસ રોડ નજીક ગટરમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે, આ અકસ્માતમાં સાત જેટલા મુસાફરોને કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
જોકે, આ અકસ્માત પાછળ સંજેલીથી પિછોડા લીમડા સુધીના સિંગલ પટ્ટી રોડનો પ્રશ્ન મુખ્ય કારણભૂત છે. આ સિંગલ પટ્ટી રોડના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી અને હેરાનગતિનો સામનો કરવો પડે છે. આ રસ્તાને ડબલ પટ્ટી કરવા માટે અનેકવાર તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.
પાટણમાં 3 લોકોના મોત: રિક્ષા-ટેમ્પો વચ્ચે ભયાનક ટક્કર
પાટણ જિલ્લામાંથી એક ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે, જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાધનપુર-મહેસાણા રોડ ઉપર, રાધનપુર સેવા સદન પાસે એક રિક્ષા અને ટેમ્પો વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.




















