'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ
Vav Bypoll News: વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. જેમાં કે.પી.ગઢવી, ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશીભાઈ રબારી, માવજી પટેલ સહિતના નેતાઓ રેસમાં છે
Vav Bypoll News: બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષો માટે અનેક નામો ઉમેદવારોની રેસમાં છે. પરંતુ કોણે ટિકીટ મળશે તે નક્કી નથી. સુત્રો અનુસાર, કોંગ્રસ, વાવ બેઠક પરથી ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતારી શકે છે. ગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત થાય તે પહેલા અન્ય દાવેદારોમાં ટૉપ પર રહેલા ઠાકરશી રબારીએ પાર્ટી પર જ ચાબખા મારવું શરૂ કર્યુ છે. તાજેતરમાં જ એક સભામાં ઠાકરશી રબારીએ કોંગ્રેસને રબારી સમાજની તાકાત વિશે પડકાર ફેંક્યો હતો.
હાલમાં એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં કોંગ્રેસ નેતા ઠાકરશી રબારી સંબોધતા દેખાઇ રહ્યાં છે. આ દરમિયાન ઠાકરશી રબારી વાવ બેઠક પર કોંગ્રેસ માટે દાવેદારીને લઇને કોંગ્રેસને વ્યંગ કરી રહ્યાં છે. જાહેર મંચ પરથી ઠાકરશી રબારીએ હૂંકાર કર્યો છે કે, કોંગ્રેસ પક્ષ રબારી સમાજને નબળો ના સમજે, રબારી સમાજે પક્ષ માટે અનેક બલિદાન આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વાવ બેઠક પરથી કોંગ્રેસમાંથી લગભગ ગુલાબસિંહ રાજપૂતનુ નામ નક્કી જોવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી હરોળમાં દાવેદાર તરીકે ઠાકરશી રબારી છે. ઉમદેવારના નામની જાહેરાત થાય તે પહેલા જ કોંગ્રેસમાં મોટો કકળાટ સામે આવતા પક્ષમાં ચિંતા પેઠી છે. ઠાકરશીએ ગુલાબસિંહ માટે બનાસની બેનના ભાઈ ગણાવી પરોક્ષ રીતે કટાક્ષ પણ કર્યો હતો. ખાસ વાત છે કે, આજ રાત સુધીમાં કોંગ્રેસ ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે.
કોંગ્રેસના સંભવિત ઉમેદવારના નામ
વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. જેમાં કે.પી.ગઢવી, ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશીભાઈ રબારી, માવજી પટેલ સહિતના નેતાઓ રેસમાં છે. આમ તો આ ત્રણેય ઉમેદવારો અલગ અલગ સમાજના છે, પરંતુ ગેનીબેનની જીત બાદ કોંગ્રેસ જાતિગત સમીકરણોને બાજુએ મૂકીને ગેનીબેનના જોરે ચૂંટણી લડી શકે છે.
વાવ બેઠક પર 13 નવેમ્બરે યોજાશે ચૂંટણી
લોકસભા ચૂંટણી 2024માં રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. જેમાં 26માંથી બે બેઠક ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી લડી હતી, જ્યારે બાકીની તમામ 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા. જોકે સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, જે બનાસકાંઠા બેઠક છે. ત્યારે હવે ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે. જ્યારે ઉમેદવારી નોંધાવવાની તારીખ 18 ઓક્ટોબર, ઉમેદવારી માટેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર, ઉમેદવારી ચકાસણીની તારીખ 28 ઓક્ટોબર છે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે. ચૂંટણી વિભાગની જાહેરાત બાદ હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે.
વાવ બેઠક માટે 13 થી 20 નવેમ્બર સુધી પૉલ પર પ્રતિબંધ મૂકાયો
ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ નિયમનો ભંગ કરનાર સામે આકરી સજાની જોગવાઇ કરવામાં આવી છે.
એક્ઝિટ પોલ કરી શકાશે નહીં, મતદાન પૂર્ણ થતું હોય તે સમય પહેલાં 48 કલાક દરમિયાન ઓપિનિયન પોલ પણ નહીં
જેના અનુસંધાને રાજ્યમાં 13મી નવેમ્બરથી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ તેમજ વાવ વિધાનસભા મતક્ષેત્રમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ રહેશે. આ જોગવાઈઓનો ભંગ કરનારને બે વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે.
આ પણ વાંચો