Gujarat Rain: વલસાડનો આ વિસ્તાર બેટમાં ફેરવાયો, ઘરોમાં ઘૂંટણ સુધી ભરાયા પાણી, NDRFની ટીમ આવી મદદે
Gujarat Rain Update: વલસાડ અને આસપાસના વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. પરિસ્થિતિ એટલી વિકટ છે કે, વલસાડના કાશ્મીરાનગરમાં એનડીઆરએફની ટીમ હાલ ઉતારવી પડી છે.
Gujarat Rain Update: વલસાડ અને આસપાસના વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. પરિસ્થિતિ એટલી વિકટ છે કે, વલસાડના કાશ્મીરાનગરમાં એનડીઆરએફની ટીમ હાલ ઉતારવી પડી છે. સતત વધતા જતા પાણીમાં NDRFની ટીમ પોતાની બોટ લઈને ઊતરી છે અને લોકોની ઘરવખરી કાઢવામાં મદદરૂપ થઈ રહી છે.
તો બીજી તરફ જે લોકો હાલ નીકળ્યા નહોતા એટલે કે નીકળવા માંગતા નહોતા તેઓને પણ હવે એનડીઆરએફની ટીમ બહાર કાઢી રહી છે જેથી કરીને કોઈ મોટી નુકસાની કે હોનારત ન થાય. આ સાથે એનડીઆરએફની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતત મોનિટરિંગ થઈ રહ્યું છે અને લોકોને બહાર કાઢવાની કવાયત ચાલી રહી છે.
નોંધનિય છે કે, વલસાડના કાશ્મીરા નગરમાં ઘરોમાં પણ ઘૂંટણ સુધી ભરાયા છે. જેના કારણે લોકોએ પોતાની ઘરવખરી લઈને ઘર બહાર નીકળવાની શરૂઆત કરી દીધી છે. તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ આ વિસ્તારમાં પહોંચી રહ્યા છે . હાલ ઘરમાં ટીવી કે અન્ય સામગ્રી હોય એ તમામ વસ્તુને લઈને લોકો બહાર આવી રહ્યા છે. જે પોતાની જણસ એટલે કે સોનું ચાંદી જે પોતાનું હોય તેને પણ તેઓ અત્યારે લઈ રહ્યા છે. અમુક ઘરોમાં તો કમર સુધી પાણી અ ઘૂસી ચૂક્યા છે.
ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને વલસાડના ઉચ્ચ અધિકારીઓ પણ હાલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસમાં છે. વલસાડ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસમાં વલસાડ કલેક્ટર તથા ડીડીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. વલસાડમાં આવેલી પૂર જેવી સ્થિતિનું સતત મોનિટરિંગ સાથે વલસાડ કલેક્ટરએ જણાવ્યું હતું કે વલસાડ નગરપાલિકાની ટીમ અને મામલતદારની ટીમ નીચાણવાળા વિસ્તારોને મોનિટર કરી રહ્યા છે અને લોકોને સ્થળાંતર કરવાની તમામ કાર્યવાહી કરી રહ્યા છે. આ સાથે નજીકમાં સેન્ટર હોમ પણ બનાવવામાં આવ્યા છે જ્યાં જમવા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી જામેલી વરસાદની હેલીને કારણે જિલ્લાની તમામ નદીઓ તોફાની સ્વરૂપે રહી છે. ધરમપુરની માન નદીમાં પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે..ધરમપુરના નાની ઢોલડુંગરી અને બામટી વચ્ચેથી પસાર થતી માન નદીના પાણીએ કિનારો વટાવતા માન નદીના પાણી પુલ પર ફરી વળ્યા છે. આથી અનેક ગામનો સંપર્ક કપાયો છે. નોકરી ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો પણ અટવાઈ ગયા છે. ધરમપુર તાલુકામાં છેલ્લા બે દિવસમાં 16 ઇંચ થી વધારે વરસાદ ખાબક્યો છે..આથી તાલુકાના તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે માન નદીના પૂર પર પુલ પર પાણી ફરી વળતા બંને બાજુના ગામોનો સંપર્ક કપાયો છે..આમ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.