Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Weather: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 17 ડિસેમ્બરથી ફરી એકવાર રાજ્યના વાતાવરણમાં પલટાની આગાહી કરી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાના સંકેત આપ્યાં છે.

Gujarat Weather Update: હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના સંકટની ચેતવણી આપી છે. તાજેતરમાં આગાહી કરી હતી કે, રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું થઇ શકે છે. 17 થી 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં માવઠની આગાહી કરી છે. અંબાલાલની માવઠની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.
સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ
ગુજરાત હાલમાં બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યું છે, ડિસેમ્બર લગભગ અડઘો વિતી ગયો પરંતુ ઠંડીના કોઇ સંકેત નથી. હવામાન વિભાગે પણ આગામી એક સપ્તાહ તાપમાનમાં ઘટાડાના કોઇ સંકેત આપ્યાં નથી. તેનાથી વિપરિત હવામાન વિભાગે તાપમાન એકથી 2 ડિગ્રી વધવાના સંકેત આપ્યાં છે. જેથી આગામી સપ્તાહ પણ ઠંડી વધે તેવા કોઇ સંકેત નથી. આ બધા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 17 ડિસેમ્બરથી ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠાની ચેતવણી આપી છે. ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠાનો વધુ એક માર પડે તેવી પ્રબળ શકયતા વ્યકત કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલે 17થી 24 ડિસેમ્બર વચ્ચે વાતાવરણમાં પલટા સાથે માવઠાના સંકેત આપ્યાં છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ,18 થી 24 ડિસેમ્બરની વચ્ચે એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે, અને આ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનશે.જેની અસરથી ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે અને તેના કારણે માવઠાનું શક્યતા છે.
ખેતીના આ પાકના નુકસાનની ભીતિ
અંબાલાલ પટેલના આંકલન મુજબ આ ભેજના પ્રભાવ અને અરબી સમુદ્રમાં હળવા ભેજને કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપને કારણે ચક્રવાતી પરિભ્રમણ રચાશે. આના કારણે ડિસેમ્બરના મધ્યમાં ગુજરાતમાં માવઠની શક્યતા છે. અંબાલાલ પટેલે ખેડૂતોને પણ ચેતવણી આપી છે કે, આ માવઠાના કારણે ખાસ કરીને ઘઉં, તુવેર,જીરૂના પાકને નુકસાન થઇ શકે છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે.. આગામી ચાર દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા વ્યકત કરી છે. હાલ પવનની દિશા પૂર્વ તરફ થતા સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આજે રાજ્યમાં સૌથી નીચુ તાપમાન નલીયામાં 9.8 ડિગ્રી નોંધાયું. તો અમદાવાદનું લઘુતમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે.



















