ગોપાલ ઈટાલિયાની સટાસટી, કહ્યું, 'મુદ્દો એ નથી કે ગ્લાસ માર્યો, દેડિયાપાડાથી તીર માર્યું તે સરકારની છાતીમાં લાગ્યું'
ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

Gujarat : ગુજરાતના દેડિયાપાડામાં આજે આમ આદમી પાર્ટી દ્વારા જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જંગી જનસભાને સંબોધન કરતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કહ્યું,ચૈતર વસાવાએ આખા ગુજરાતના યુવાનોને હિંમત આપવાનું કામ કર્યું છે. ગોપાલ ઈટાલિયાએ જનસભાને સંબોધતા કહ્યું કે, મુદ્દો એ નથી કે ચૈતર વસાવાએ ગ્લાસ માર્યો કે નહીં, મુદ્દો એ છે કે ચૈતર વસાવાએ દેડિયાપાડાથી તીર માર્યું તે તીર સરકારની છાતીમાં લાગ્યું છે.
MLA ગોપાલ ઈટાલિયાના ભાજપ સરકાર પર આકરા પ્રહારો
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપની સરકાર વારંવાર કેમ ચૈતર વસાવા પર કેસ કરી જેલમાં પૂરે છે, કારણ કે ભાજપના પેટમાં તેલ રેડાય છે. સામાન્ય આદિવાસી યુવક ધારાસભ્ય બન્યો તેને પસંદ નથી. ચૈતર વસાવાએ રસ્તાથી લઈ વિધાનસભા સુધી અવાજ ઉઠાવવાનું કામ કર્યું છે, ગામડે ગામડે યુવાનોની ફૌજ તૈયાર કરી છે. આદિવાસી સમાજને જગાડવામાં આવ્યો છે. આદિવાસી યુવાનોનો અવાજ બનવાનું કામ ચૈતર વસાવાએ કર્યું એટલે જેલમાં પૂરી દે છે. ગોપાલ ઈટાલિયાએ વધુમાં કહ્યું કે ચૈતર વસાવાની જગ્યા દીલમાં છે.
અરવિંદ કેજરીવાલે નારા લગાવ્યા
કેજરીવાલે જનસભા સંબોધતા 'જેલ કે તાલે તુટેંગે, ચૈતર વસાવા છૂટેંગે' ના નારા લગાવ્યા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું, ચૈતર વસાવા બબ્બર શેર છે, જેલમાં મોકલી તેને ડરાવી નહીં શકો .
નર્મદા જિલ્લાના દેડિયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવા થપ્પડ કાંડમાં છેલ્લા ઘણા દિવસોથી જેલમાં બંધ છે. જેને લઈને આપ પાર્ટીમાં ભયંકર રોષ છે. આપના નેતાઓ દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં આ શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું છે. આપ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, ચૈતર વસાવાને સરકાર જાણી જોઈને હેરાન કરે છે.
અરવિંદ કેજરીવાલે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા બદલ AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી. હવે લોકો વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે, આ લડાઈ હવે અટકવાની નથી.
આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે ચૈતર વસાવા આદિવાસીઓના હક માટે લડી રહ્યા હતા. ચૈતર વસાવા જમીન, જંગલ, અધિકારો માટે લડી રહ્યા હતા. આ દરમિયાન કેજરીવાલે જોરદાર નારા લગાવ્યા હતા કે, 'જેલ કે તાલે તૂટેંગે, ચૈતર વસાવા છૂટેંગે.'



















