લોકરક્ષક દળની લેખિત પરીક્ષા આ તારીખે લેવાશે, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી
રાજ્યમાં લોક રક્ષક દળની ભરતીની લેખિત પરીક્ષાને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. તાજેતરમાં જ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા ટ્વિટ કરી જાહેરાત કરવામાં આવી છે.
ગાંધીનગર: રાજ્યમાં લોક રક્ષક દળની ભરતીની લેખિત પરીક્ષાને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. તાજેતરમાં જ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા ટ્વિટ કરી જાહેરાત કરવામાં આવી છે. હસમુખ પટેલે ટ્વિટ કરીને લોકરક્ષક દળની લેખિત પરીક્ષાની તારીખની જાહેરાત કરી છે. તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘લોકરક્ષકની લેખિત પરીક્ષા 10 એપ્રિલ રવિવારના રોજ લેવામાં આવશે.’
લોકરક્ષકની લેખિત પરીક્ષા 10 એપ્રિલ રવિવારના રોજ લેવામાં આવશે.#LRDS #LRD_ભરતી #LRD
— Hasmukh Patel (@Hasmukhpatelips) February 4, 2022
રાજ્યમાં પીએસઆઇ તથા લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીમાં ઊંચાઈ, છાતીની માપણીની કાર્યવાહીને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. પાંચ અરજદારોએ ઊંચાઈ અને છાતીની માપણી સામે અસંતોષ વ્યક્ત કરતા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી. જેમા પાંચ પૈકી ત્રણ અરજદારની ઊંચાઈ અને છાતી ધારાધોરણ પ્રમાણે યોગ્ય હોવાથી લેખિત પરીક્ષામાં બેસવા દેવા માટેની ભરતી બોર્ડને નિર્દેશ આપ્યા છે.
રાજ્યમાં આગામી દિવસોમાં પોલીસ ઇન્સ્પેકટર તથા લોક રક્ષક દળ ભરતી માટેની પરીક્ષા યોજાવાની છે. જે અગાઉ હાલ શારીરિક કસોટી લેવામાં આવી રહી છે. જોકે શારીરિક કસોટીમાં કેટલાક ઉમેદવારો એવા છે, કે જેમની ઊંચાઈ અને છાતી ધારાધોરણ પ્રમાણે ન હોવાથી રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા. આ પૈકી કેટલાક ઉમેદવારોએ ભરતી બોર્ડના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં દાદ માંગી હતી. અરજદારોએ દલીલ કરી હતી કે વર્ષ 2019માં લેવાયેલ શારીરિક કસોટીમાં તેઓ ઉંચાઈ અને છાતીના માપદંડ પ્રમાણે યોગ્યતા ધરાવતા હતા.
જેથી આ 5 અરજદારોની ફરીથી ઊંચાઈ અને છાતીની માપણી સોલા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. જે પૈકી 2 ઉમેદવારની ઊંચાઈ જ્યારે 1 ઉમેદવારની છાતી ભરતીની જોગવાઈ પ્રમાણે યોગ્ય હોવાથી તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. આગામી 6 માર્ચના રોજ પોલીસ સબ ઇન્સ્પેકટર તથા 10 એપ્રિલના રોજ લોક રક્ષક દળની લેખિતમાં પરીક્ષા યોજાવાની છે. આ સિવાય ઊંચાઈ અથવા તો છાતીની માપણી સંદર્ભે અસંતોષ હોવાથી ગુજરાત હાઇકોર્ટમાં અંદાજે 20 જેટલા ઉમેદવારોએ અલગ-અલગ અરજી કરી છે. જે અંગે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.