ઈસુદાન ગઢવીને યજ્ઞેશ દવેનો કટાક્ષ: "એંકરમાંથી રાજકારણી બનો તો ખબર પડે"
ભાજપે ઈસુદાન ગઢવીના આરોપોને ફગાવ્યા; "આંતરિક મુદ્દો છે, ભાજપને કોઈ લેવાદેવા નથી," યજ્ઞેશ દવેનો 'આપ' પ્રમુખને કટાક્ષ.

Yagnesh Dave Statement: ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ઉમેશ મકવાણાના પક્ષમાંથી રાજીનામાને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપો કર્યા હતા, જેના જવાબમાં ભાજપના નેતા યજ્ઞેશ દવેએ આકરા પ્રહારો કર્યા છે.
યજ્ઞેશ દવેએ ઈસુદાન ગઢવીના આરોપો પર પ્રતિક્રિયા આપતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ઉમેશ મકવાણાનું રાજીનામું એ આમ આદમી પાર્ટીનો આંતરિક મુદ્દો છે અને ભાજપને આ ઘટનાક્રમ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "ભાજપને આવી કોઈ જરૂર પણ નથી." ભાજપને 162 બેઠકો મળી છે, તેથી તેમને અન્ય પક્ષના ધારાસભ્યોની જરૂર નથી.
દવેએ ઈસુદાન ગઢવીને આડે હાથે લેતા કહ્યું કે, "જે ઘટનાક્રમ થયો તે આમ આદમી પાર્ટીનો આંતરિક ઘટનાક્રમ છે. આમ આદમીના આંતરિક મામલામાં ભાજપ ક્યારેય માથું મારવા માંગતું નથી." તેમણે ગઢવીને સલાહ આપતા જણાવ્યું કે, "તમારા ધારાસભ્યો તમારા પર કાદવ ઉછાળે છે તે વિચારો, ભાજપ પર કાદવ ઉછાળવાનું છોડી દો." દવેએ કટાક્ષ કરતા ઉમેર્યું કે, "પહેલા તપાસ કરો કે તમારા કેમ તમારાથી નારાજ છે."
ભાજપના નેતા યજ્ઞેશ દવેએ ઈસુદાન ગઢવીને સીધો પડકાર ફેંકતા કહ્યું કે, "એંકરમાંથી રાજકારણી બનો તો ખબર પડે." આ નિવેદનથી બંને પક્ષો વચ્ચેની શાબ્દિક યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. ઉમેશ મકવાણાના રાજીનામાથી 'આપ' માં આંતરિક કલહ સપાટી પર આવ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે, અને ભાજપે આ મુદ્દાને 'આપ' નો આંતરિક મામલો ગણાવીને પોતાને દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે.
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ દંડક પદેથી રાજીનામું આપ્યું
ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી બે વિધાનસભા પેટાચૂંટણીઓના પરિણામો બાદ જ્યાં કડીમાં ભાજપ અને વિસાવદરમાં આમ આદમી પાર્ટી (AAP) એ જીત મેળવી હતી, ત્યાં હવે 'આપ' ને મોટો ઝટકો લાગ્યો છે. બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને પાર્ટીના દંડક પદેથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામાથી ગુજરાત 'આપ' માં આંતરિક ડખો શરૂ થયો હોવાની અટકળોએ જોર પકડ્યું છે.
રાજીનામા પાછળના કારણો અને મકવાણાનું નિવેદન
ઉમેશ મકવાણા છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં ગેરહાજર રહેતા હતા, જેના કારણે તેમના રાજીનામાની અટકળો તેજ બની હતી. દંડક પદેથી રાજીનામું આપ્યા બાદ તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં નિષ્ફળ રહી છે. તેમણે ઉમેર્યું કે, તેઓ 'આપ' ના કાર્યકર તરીકે કામ કરતા રહેશે અને ધારાસભ્ય પદ છોડવા અંગે પ્રજાને પૂછીને નિર્ણય કરશે.
મકવાણાએ પોતાના રાજીનામા પાછળના કારણો જણાવતા કહ્યું કે, "પક્ષના આગેવાનો સાથે બેઠક કરી ધારાસભ્ય પદને લઈને નિર્ણય કરીશ." તેમણે 'આપ' પર આક્ષેપ કરતા કહ્યું કે, "AAP પણ પછાત સમાજના મુદ્દા ઉઠાવવામાં પાર્ટી તરફથી અવગણના કરે છે." જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે, "ગોપાલ ઈટાલિયાના કારણે રાજીનામું આપું છું એવું નથી." તેમણે પોતાની કામગીરીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "સરકારને વિધાનસભામાં સૌથી વધુ પ્રશ્ન પૂછ્યા છે, મેં જનતા માટે કામ કર્યા છે." તેમણે પુનરોચ્ચાર કર્યો કે, બોટાદની જનતા સાથે ચર્ચા કર્યા બાદ જ ધારાસભ્ય તરીકેના રાજીનામા બાબતે નિર્ણય લેશે. હાલ તેમણે 'આપ' ના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે, પરંતુ કાર્યકર્તા તરીકે કામ કરતા રહેશે.
ઉમેશ મકવાણાનો રાજકીય ઇતિહાસ
ઉમેશ મકવાણાએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 'આપ' દ્વારા બોટાદ બેઠક પર ટિકિટ મેળવી હતી. તે ચૂંટણીમાં તેમણે ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવીને જીત મેળવી હતી. આ જીત બાદ આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ભાવનગર બેઠક પરથી લોકસભાની ટિકિટ પણ આપી હતી, જોકે તેઓ તે ચૂંટણી હારી ગયા હતા. તેમના આ રાજીનામાથી ગુજરાતના રાજકીય સમીકરણોમાં કેવા ફેરફારો આવે છે તે જોવું રસપ્રદ રહેશે.





















