Maharashtra Politics: "તમારી પાસે વોટ છે, મારી પાસે પૈસા...", અજિત પવારની મતદારોને ખુલ્લી ચીમકીથી રાજકીય ભૂકંપ
પુણેના માલેગાંવમાં ડેપ્યુટી CM નો બફાટ: જો NCP ઉમેદવારોને હરાવશો તો ફંડ નહીં મળે; વિપક્ષે કહ્યું- 'આ ટેક્સના પૈસા છે, તમારા ઘરના નહીં'.

મહારાષ્ટ્રના રાજકારણમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારના એક નિવેદને ભારે હોબાળો મચાવ્યો છે. પુણે જિલ્લાના માલેગાંવમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે મતદારોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "તમારી પાસે વોટ છે અને મારી પાસે વિકાસ માટેના પૈસા છે." તેમણે ચીમકી આપી હતી કે જો જનતા તેમના પક્ષના ઉમેદવારોને નકારી કાઢશે, તો તેઓ પણ શહેરને ફંડ ફાળવવાનું બંધ કરી દેશે. શુક્રવારે (21 November) આપેલા આ નિવેદન બાદ વિપક્ષે તેમના પર મતદારોને ડરાવવાનો અને સત્તાનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
"જો તમે 'ના' પાડશો, તો હું પણ 'ના' પાડીશ"
મહારાષ્ટ્રની ભાજપ-NCP-શિવસેના ગઠબંધન સરકારમાં અજિત પવાર નાણાં મંત્રાલય (Finance Ministry) જેવું મહત્વનું ખાતું સંભાળે છે. બારામતી તાલુકાના માલેગાંવમાં નગર પંચાયત ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે તેમણે મતદારોને સીધો સોદો ઓફર કર્યો હતો. તેમણે કહ્યું, "જો તમે NCP ના તમામ 18 ઉમેદવારોને ચૂંટીને મોકલશો, તો હું ખાતરી આપું છું કે વિકાસ કાર્યો માટે ભંડોળની કોઈ અછત નહીં રહે." પરંતુ સાથે જ તેમણે ચેતવણીના સૂરમાં ઉમેર્યું, "જો તમે અમને નકારશો, તો હું પણ ભંડોળ માટે ના પાડી દઈશ. યાદ રાખજો, તમારી પાસે મત છે, પણ પૈસા મારી પાસે છે."
ફંડ રોકવાની ધમકીથી વિવાદ
અજિત પવારના આ નિવેદનને લોકશાહી મૂલ્યોનું હનન ગણાવવામાં આવી રહ્યું છે. એક જવાબદાર પદ પર બેઠેલા નેતા દ્વારા વિકાસ કાર્યોને મતો સાથે સીધા જોડવા અને ફંડ રોકવાની ધમકી આપવી એ આચારસંહિતાનો ભંગ હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. આગામી 2 December ના રોજ અહીં મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી યોજાવાની છે, જેમાં અજિત પવારની NCP અને ભાજપ ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા છે.
વિપક્ષનો વળતો પ્રહાર: "પૈસા તમારા ઘરના નથી"
અજિત પવારની આ ટિપ્પણી પર વિપક્ષી દળોએ આકરા પ્રહારો કર્યા છે. શિવસેના (UBT) જૂથના નેતા અંબાદાસ દાનવેએ અજિત પવાર પર મતદારોને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. દાનવેએ કહ્યું કે, "સરકારી તિજોરીના પૈસા સામાન્ય જનતા દ્વારા ચૂકવવામાં આવતા ટેક્સમાંથી આવે છે, તે અજિત પવારના ઘરના પૈસા નથી." તેમણે ચૂંટણી પંચની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, "જ્યારે નાયબ મુખ્યમંત્રી કક્ષાના નેતા મતદારોને ખુલ્લેઆમ ડરાવી રહ્યા હોય, ત્યારે ચૂંટણી પંચ શું કરી રહ્યું છે?"





















