પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન આજે ગૃહમંત્રી અમિત શાહ બોલી રહ્યા છે. તેમણે સોમવારે જમ્મુ અને કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ વિશે માહિતી આપી હતી.

નવી દિલ્હી: લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન આજે ગૃહમંત્રી અમિત શાહ બોલી રહ્યા છે. તેમણે સોમવારે જમ્મુ અને કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ વિશે માહિતી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "પહેલગામમાં નિર્દોષ નાગરિકોની ક્રૂર હત્યા કરવામાં આવી, તેમનો ધર્મ પૂછીને તેના પરિવારોની સામે જ મારી નાખવામાં આવ્યા, આ હત્યાઓ ખૂબ જ બર્બરતાથી કરવામાં આવી હતી, હું આની સખત નિંદા કરું છું અને માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું." અમિત શાહે કહ્યું, "સંયુક્ત ઓપરેશન મહાદેવમાં, ભારતીય સેના, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસે પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે."
#WATCH | Delhi | On Operation Mahadev, Union Home Minister Amit Shah says, "... In the Operation Mahadev, Suleman alias Faizal..., Afghan and Jibran, these three terrorists were killed in a joint operation of the Indian Army, CRPF and J&K Police... Suleman was an A-category… pic.twitter.com/Nq04i1y814
— ANI (@ANI) July 29, 2025
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "ગઈકાલના ઓપરેશનમાં ત્રણેય આતંકવાદીઓ - સુલેમાન, અફઘાન અને જિબરાન માર્યા ગયા હતા. જે લોકો તેમને જમવાનું પહોંચાડતા હતા તેમને પહેલાથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જ્યારે આ આતંકવાદીઓના મૃતદેહ શ્રીનગર લાવવામાં આવ્યા, ત્યારે અમારી એજન્સીઓ દ્વારા અટકાયત કરાયેલા લોકોએ તેમની ઓળખ કરી."
ત્રણેય A-ગ્રેડ આતંકવાદી હતા
ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન મહાદેવ પર કહ્યું, "ઓપરેશન મહાદેવમાં સુલેમાન ઉર્ફે ફૈઝલ, અફઘાન અને જિબરાન ત્રણેય આતંકવાદી ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઠાર મારવામાં આવ્યા છે. સુલેમાન લશ્કર-એ-તૈયબાનો A-કેટેગરીનો કમાન્ડર હતો. અફઘાન લશ્કર-એ-તૈયબાનો A-કેટેગરી આતંકવાદી હતો અને જિબરાન પણ A-ગ્રેડ આતંકવાદી હતો. આ ત્રણ આતંકવાદીઓએ બૈસરન ખીણમાં આપણા નાગરિકોની હત્યા કરી હતી અને ત્રણેય આતંકીને ઠાર મારવામાં આવ્યા હતા."
વિપક્ષ પર નિશાન સાધ્યું
ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું, "મને અપેક્ષા હતી કે તેઓ પહેલગામના આતંકવાદીઓના માર્યા જવાના સમાચાર સાંભળીને ખુશ થશે, પરંતુ એવું લાગે છે કે તેઓ તેનાથી ખુશ નથી." અમિત શાહે વધુમાં કહ્યું, "પહલગામ હુમલા પછી તરત જ, હું પીડિત પરિવારોને મળ્યો. મેં મારી સામે એક મહિલા ઉભી જોઈ, જે તેના લગ્નના 6 દિવસ પછી જ વિધવા બની ગઈ હતી, હું તે દ્રશ્ય ક્યારેય ભૂલી શકતો નથી. હું આજે બધા પરિવારોને કહેવા માંગુ છું કે મોદીજીએ આતંકવાદીઓને મોકલનારાઓના આકાઓને મારી નાખ્યા છે. આજે આપણા સુરક્ષા દળોએ હત્યા કરનારાઓને પણ મારી નાખ્યા છે."





















