ખાલિસ્તાનને લઇને Kumar Vishwas એ Kejriwalને ફેંક્યો પડકાર, અલગતાવાદીઓ સાથેના સંબંધો પર કેન્દ્રએ આપ્યા તપાસના આદેશ
પંજાબમાં વિધાનસભા ચૂંટણીના મતદાન અગાઉ ખાલિસ્તાનને લઇને વિવાદ છેડાયો છે. કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી કેજરીવાલને સવાલ પૂછ્યો હતો
Kumar Vishwas on Arvind Kejriwal: પંજાબમાં વિધાનસભા ચૂંટણીના મતદાન અગાઉ ખાલિસ્તાનને લઇને વિવાદ છેડાયો છે. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પડકાર ફેંક્યો હતો કે તે ખાલિસ્તાન વિરુદ્ધ બોલીને બતાવે. જ્યારે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહે અલગતાવાદી સંગઠન સાથે કેજરીવાલના સંબંધોની તપાસ કરવી માંગ કરી હતી ત્યારબાદ ગૃહમંત્રાલયે તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
હું તો દુનિયાનો સૌથી સ્વીટ આતંકવાદી છુઃ કેજરીવાલ
પંજાબની રાજનીતિમાં મતદાન પહેલા જ કેજરીવાલના ખાલિસ્તાન કનેક્શનને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે. એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં કેજરીવાલે કહ્યું, "હું વિશ્વનો સૌથી સ્વીટ આતંકવાદી છું. જેણે શાળાઓ બનાવી અને વૃદ્ધોને તીર્થયાત્રા કરાવી. જો હું આતંકવાદી છું તો 10 વર્ષ સુધી એજન્સીઓ સૂઇ રહી હતી? તેઓએ મારી ધરપકડ કેમ ના કરી?"
કેજરીવાલ પર કુમાર વિશ્વાસે ફરી એકવાર નિશાન સાધ્યું છે કે કેજરીવાલ ફક્ત એટલું બોલી દે કે તે ખાલિસ્તાનના વિરુદ્ધમાં છે. કુમાર વિશ્વાસે કહ્યું, "તે એમ કહી દે કે કોઇ પણ રાજ્યમાં ખાલિસ્તાનીઓને ઉભા થવા નહી દઉં. એટલું કહેવામાં શું જાય છે કે હું ખાલિસ્તાનના વિરોધમાં છું, આટલું તે બોલીને બતાવે."
કેજરીવાલ પર વિપક્ષે સાધ્યુ નિશાન
કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી કેજરીવાલને સવાલ પૂછ્યો હતો. કેજરીવાલ જી, સીધો જવાબ આપી દો-કુમાર વિશ્વાસ સત્ય બોલી રહ્યા છે? હા અથવા ના? પ્રિયંકા ગાંધીએ પણ રાહુલના ટ્વિટને રિટ્વિટ કરી કહ્યુ- જવાબની રાહ જોઇ રહી છું.
નોંધનીય છે કે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કેજરીવાલ વિરુદ્ધ તપાસ માટે પત્ર લખ્યો હતો. ચન્નીએ આરોપ લગાવ્યો હતો કે શીખ્સ ફોર જસ્ટિસ સતત AAPના સંપર્કમાં છે. એવો પણ આરોપ છે કે SFJએ આ ચૂંટણીઓમાં AAPને સમર્થન આપવાનું કહ્યું છે. આ ઉપરાંત કુમાર વિશ્વાસના આરોપોની તપાસ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે ચન્નીના પત્રની નોંધ લઇ તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ગૃહમંત્રી અમિત શાહે ચન્નીના પત્રનો જવાબ આપ્યો હતો. દેશની અખંડિતતા સાથે કોઈને રમત રમવા દેવામાં નહી આવે. તેઓ પોતે આ બાબતની ઉંડાણપૂર્વક તપાસ કરાવશે.