Andhra Pradesh : CM જગન મોહનની નવી કેબિનેટ, 25 મંત્રીઓએ લીધા શપથ
AP New Cabinet : મુખ્યમંત્રી સહિત લઘુમતી સમુદાયમાંથી બે, પાંચ SC અને એક ST માંથી છે. કેબિનેટમાં રેડ્ડી અને કાપુ સમુદાયના ચાર-ચાર ધારાસભ્યોને સામેલ કરવામાં આવ્યા છે.
Andhra Pradesh : આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ સોમવારે રાજ્ય કેબિનેટનું પુનર્ગઠન કર્યું, જેમાં 13 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા અને 11 લોકોને ફરીથી તક આપવામાં આવી. વરિષ્ઠ ધારાસભ્ય ધર્મના પ્રસાદ રાવને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ કેબિનેટમાં સામેલ કરાયેલા સૌથી વરિષ્ઠ મંત્રી છે. રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદને રાજધાની અમરાવતીમાં રાજ્ય સચિવાલય નજીક એક જાહેર સમારંભમાં મંત્રીમંડળના 25 સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
કેબિનેટમાં આંધ્રપ્રદેશ વિધાન પરિષદમાંથી કોઈને સામેલ કરવામાં આવ્યા નથી. નવી કેબિનેટની રચના સંપૂર્ણપણે જાતિ અને સમુદાયના આધારે કરવામાં આવી છે, જેમાં 10 મંત્રીઓ પછાત વર્ગના છે. મુખ્યમંત્રી સહિત લઘુમતી સમુદાયમાંથી બે, પાંચ અનુસૂચિત જાતિ (SC) અને એક અનુસૂચિત જનજાતિ (ST)માંથી છે. કેબિનેટમાં રેડ્ડી અને કાપુ સમુદાયના ચાર-ચાર લોકોને સામેલ કરવામાં આવ્યા છે. કેબિનેટમાં ચાર મહિલા સભ્યો છે જેમાંથી એકને બીજી તક આપવામાં આવી છે.
Andhra Pradesh | Swearing-in ceremony of new cabinet ministers underway at Amaravati pic.twitter.com/kEIUVmq4NY
— ANI (@ANI) April 11, 2022
સામાજિક મંત્રીમંડળ : YSR કોંગ્રેસ
અગાઉના મંત્રીમંડળમાં કમ્મા, ક્ષત્રિય અને વૈશ્ય સમુદાયો માંથી એક-એક પ્રતિનિધિ હતા, હવે નવી કેબિનેટમાં આ સમુદાય સંપૂર્ણપણે બહાર છે. આ સાથે ફરીથી બ્રાહ્મણ સમુદાયમાંથી કોઈને તક આપવામાં આવી ન હતી. રાજ્યના 26 જિલ્લાઓમાંથી ઓછામાં ઓછા સાતને નવા મંત્રીમંડળમાં કોઈ પ્રતિનિધિત્વ મળ્યું નથી. શાસક YSR કોંગ્રેસે તેને "સામાજિક મંત્રીમંડળ" તરીકે વર્ણવ્યું છે, જેમાં અન્ય પછાત વર્ગો (OBC), SC, ST અને લઘુમતી સમુદાયોના 70 ટકા પ્રતિનિધિઓ છે.
CM રેડ્ડીએ 2019માં જ અઢી વર્ષ બાદ કેબિનેટમાં ફેરફાર કરવાનો દાવો કર્યો હતો
આંધ્રના મુખ્યપ્રધાન રેડ્ડીએ 30 મે, 2019 ના રોજ મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે જ તેમણે જાહેરાત કરી કે તેઓ અઢી વર્ષ એટલે કે ડિસેમ્બર 2021 પછી તેમના પ્રધાનમંડળમાં સંપૂર્ણ ફેરફાર કરશે જેમાં 90 ટકા નવા આવનારાઓ અને 10 ટકા એટલે કે ત્રણ મંત્રીઓ જુના હશે. તદનુસાર, મુખ્યપ્રધાન સિવાય, ફક્ત બે જૂના પ્રધાનો રાખવાના હતા, પરંતુ રેડ્ડીએ ફરીથી અગાઉના કેબિનેટના 11 લોકોને આપ્યા છે, જેમને 7 એપ્રિલે રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું.