તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
એક તરફ તેલંગાણામાં મુસ્લિમ કર્મચારીઓને વહેલી રજા આપવાના કોંગ્રેસ સરકારના નિર્ણયનો વિરોધ, તો બીજી તરફ આંધ્રપ્રદેશમાં ભાજપ દ્વારા એ જ નિર્ણયનું સમર્થન.

Andhra Pradesh Ramadan leave: તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં મુસ્લિમ કર્મચારીઓને રમઝાન મહિના દરમિયાન વહેલી રજા આપવાના નિર્ણયને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ની આગેવાની હેઠળની એનડીએ સરકારે મુસ્લિમ સરકારી કર્મચારીઓને રમઝાનમાં એક કલાક વહેલા ઓફિસ છોડવાની મંજૂરી આપી છે, અને આ નિર્ણયને રાજ્યના ભાજપ એકમે ટેકો આપ્યો છે. જ્યારે બીજી તરફ, તેલંગાણામાં કોંગ્રેસ સરકારે પણ આવો જ નિર્ણય કર્યો છે, પરંતુ ત્યાં ભાજપ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે રાજકીય ખળભળાટ મચી ગયો છે.
આંધ્રપ્રદેશ સરકારે તાજેતરમાં જ આ સંબંધિત આદેશ જારી કર્યો છે. મુખ્ય સચિવ (રાજકીય) મુકેશ કુમાર મીણા દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારીઓ સહિત વોર્ડ અને ગ્રામ સચિવાલયમાં કામ કરતા મુસ્લિમ કર્મચારીઓને પણ આ છૂટ મળશે. જો કે, કટોકટીની સ્થિતિમાં જ્યાં કર્મચારીઓની હાજરી અનિવાર્ય હોય ત્યાં આ નિયમ લાગુ થશે નહીં.
આંધ્રપ્રદેશમાં ભાજપ દ્વારા આ નિર્ણયને સમર્થન મળ્યું છે. પાર્ટી નેતા એસ. યામિની શર્માએ જણાવ્યું હતું કે, "અમે 'સબકા સાથ, સબકા વિકાસ'ના સિદ્ધાંતને અનુસરીએ છીએ. ભાજપ કોઈપણ જાતિ, સંપ્રદાય કે ધર્મના ભેદભાવ વિના તમામના વિકાસ માટે પ્રતિબદ્ધ છે." તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આંધ્રપ્રદેશ ભાજપ એકમ ટીડીપી સરકારના નિર્ણય સાથે સહમત છે.
પરંતુ તેલંગાણામાં પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. કેન્દ્રીય મંત્રી બી. સંજય કુમાર અને હિન્દુત્વવાદી ધારાસભ્ય ટી. રાજા સિંહે તેલંગાણા સરકારના આ નિર્ણયની આકરી ટીકા કરી છે. તેઓએ કોંગ્રેસ સરકાર પર લઘુમતી તુષ્ટિકરણનો આરોપ મૂક્યો છે. રાજા સિંહે તો ત્યાં સુધી સવાલ ઉઠાવ્યો કે, "41 દિવસ સુધી અયપ્પા દીક્ષાનું પાલન કરતા હિન્દુ ભક્તો માટે આવી કોઈ સુવિધા કેમ નથી અપાતી?"
તેલંગાણા કોંગ્રેસના મહાસચિવ જીશાન લાલાણીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, ટીડીપી અને ભાજપ ભલે મિત્રો અને ગઠબંધન ભાગીદાર હોય, પરંતુ એ આશ્ચર્યજનક છે કે ટીડીપી મુસ્લિમોને આ રાહત આપી રહી છે અને ભાજપ તેલંગાણામાં તેનો વિરોધ કરી રહી છે. તેલંગાણાના મંત્રી પી. પ્રભાકરે સરકારના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, આ છૂટ છેલ્લા 25 વર્ષથી આપવામાં આવી રહી છે અને તેમાં કશું નવું નથી.
આ પણ વાંતો....
આ બે નગરપાલિકા જીતેલી સમાજવાદી પાર્ટીએ ભાજપને આપ્યું સમર્થન, કહ્યું - અમે ભાજપની સાથે છીએ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
