યુક્રેનના લશ્કરે ગુજરાતી સહિત સંખ્યાબંધ ભારતીય વિદ્યાર્થીઓને બનાવ્યા છે બંદી, રશિયાના દાવાથી ખળભળાટ, મોદી સરકારે શું કહ્યું ?
યુક્રેનમાં હજુ પણ સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીતમાં આ વિદ્યાર્થીઓને વહેલી તકે બહાર કાઢવા અંગે ચર્ચા કરી હતી.
Russia Ukraine Conflict: યુક્રેન-રશિયા યુદ્ધનો આજે આઠમો દિવસ છે. બુધવારે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી. આ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે યુક્રેનની સેના ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવીને ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે.
આવી સ્થિતિમાં યુક્રેન દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવવાના આરોપ પર વિદેશ મંત્રાલયે પોતાનું સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવ્યા જેવી સ્થિતિ અંગે કોઈ સમાચાર નથી.
પ્રવક્તાએ કહ્યું કે યુક્રેનમાં અમારું દૂતાવાસ ત્યાં ફસાયેલા NRIના સંપર્કમાં છે. અમારા દૂતાવાસે યુક્રેનના વહીવટી અધિકારીઓ સાથે સંપર્ક જાળવી રાખ્યો છે. બુધવારે જ ઘણા ભારતીયો ખાર્કિવથી નીકળી ગયા હતા. અમને અત્યાર સુધી ભારતીય વિદ્યાર્થીને બંધક બનાવ્યાના કોઈ સમાચાર મળ્યા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ યુક્રેનિયન સત્તાવાળાઓને ભારતીય વિદ્યાર્થીઓને બહાર જવા માટે વિશેષ ટ્રેનો ચલાવવા વિનંતી કરી છે.
બુધવારે રાત્રે રશિયાએ આરોપ લગાવ્યો હતો
જણાવી દઈએ કે યુક્રેનમાં હજુ પણ સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા હોવાના અહેવાલ છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીતમાં આ વિદ્યાર્થીઓને વહેલી તકે બહાર કાઢવા અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે યુક્રેનની સેના ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવીને ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે. ભારતીય વિદ્યાર્થીઓને રશિયાની ધરતી પર જતા રોકવામાં આવી રહ્યા છે. વાતચીત બાદ રશિયાના રાષ્ટ્રપતિ ભવન તરફથી આ આરોપોને લઈને એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું.
Our Embassy in Ukraine is in continuous touch with Indian nationals in Ukraine. We note that with the cooperation of the Ukrainian authorities, many students have left Kharkiv yesterday. We have not received any reports of any hostage situation regarding any student: MEA pic.twitter.com/1pyZ5u1TIy
— ANI (@ANI) March 3, 2022
ભારતીયોને બહાર કાઢવા માટે સૂચના આપવામાં આવી છે
વ્લાદિમીર પુતિને પીએમ મોદીને કહ્યું કે ભારતીય વિદ્યાર્થીઓને યુદ્ધ ક્ષેત્રથી બહાર કાઢીને ભારત મોકલવા માટે તમામ જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે. રશિયન સેના આ દિશામાં તમામ પ્રયાસો કરી રહી છે. રશિયન આર્મી ભારતીય વિદ્યાર્થીઓના તાત્કાલિક બચાવ માટે ખાર્કિવથી રશિયા સુધી સુરક્ષિત કોરિડોર બનાવવા પર પણ કામ કરી રહી છે.
યુક્રેન રશિયાના આરોપોને નકારે છે
તે જ સમયે, યુક્રેને રશિયાના આ આરોપોને ફગાવી દીધા છે. ટ્વિટર પર, યુક્રેનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, અમે ભારત, પાકિસ્તાન, ચીન અને અન્ય દેશોની સરકારોને અપીલ કરીએ છીએ કે તેઓ મોસ્કો પાસેથી માંગ કરે કે તેમના વિદ્યાર્થીઓને યુક્રેનના અન્ય શહેરોમાં જવા માટે સુરક્ષિત કોરિડોરની મંજૂરી આપવામાં આવે. આ વિદ્યાર્થીઓને ખાર્કિવ અને સુમીમાં રશિયન આક્રમકતા દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે.
અમેરિકાએ પણ જવાબ આપ્યો
ભારતીયોને બંધક બનાવીને યુક્રેનનો ઢાલ તરીકે ઉપયોગ કરવાના રશિયન સરકારના નિવેદન પર અમેરિકાએ પણ પ્રતિક્રિયા આપી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે, અમે નાગરિકોને માનવ ઢાલ તરીકે ઉપયોગમાં લેવાતા હોવાના કોઈ અહેવાલ જોયા નથી. આ રશિયાના પ્રચાર યુદ્ધનું પરિણામ છે.