વેક્સિનનું પ્રોડક્શન વધારવા કયા રાજ્યના મુખ્યંત્રીએ કેન્દ્ર સરકારને શું આપી સલાહ ? જાણો વિગતે
હાલમાં માત્ર બે કંપનીઓ જ વેક્સિન બનાવી રહી છે. જો વધુ કેટલીક કંપનીઓને પણ આ કામ સોંપવામાં આવે તો વેક્સિનનું પ્રોડક્શન વધારી શકાશે.
નવી દિલ્હી: લોકડાઉન બાદ રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal ) ડિજિટલ પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન જણાવ્યું કે, હાલમાં લોકોને વેક્સિન (Vaccine) આપવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. તેની સાથે તેમણે કેન્દ્ર સરકારને વેક્સિનનું પ્રોડક્શન વધારવા માટે સલાહ પણ આપી છે.
કેજરીવાલે કહ્યું કે, હાલમાં માત્ર બે કંપનીઓ જ વેક્સિન બનાવી રહી છે. જો વધુ કેટલીક કંપનીઓને પણ આ કામ સોંપવામાં આવે તો વેક્સિનનું પ્રોડક્શન વધારી શકાશે.
સીએમ કેજરીવાલે કહ્યું કે, “બીજી કંપનીઓ પણ વેક્સીન બનાવી શકે છે. કેન્દ્ર અન્ય કંપનીઓ પણ સામેલ કરે અને મોટાપાયે વેક્સિનનું પ્રોડક્શન કરે. જેથી લોકોને આપી શકાય. તેમણે કહ્યું કે, દિલ્હીમાં થોડાક જ દિવસ માટે વેક્સિન ઉપલબ્ધ છે અને દિલ્હીના લોકોને વેક્સિનની જરૂર છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર પાસે દિલ્હીને વધુ વેક્સિન આપવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે અત્યારે તો વેક્સીન જ એક માત્ર ઉપાય છે તેવુ નિષ્ણાંતો કહી રહ્યા છે ત્યારે ભારતમાં વેક્સિનની અછતના કારણે રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યુ નથી.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 26 લાખ 62 હજાર 575
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 90 લાખ 27 હજાર 304
કુલ એક્ટિવ કેસ - 37 લાખ 15 હજાર 221
કુલ મોત - 2 લાખ 49 હજાર 992
એક્ટિવ કેસ 37 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ધીમી ગતિએ વધી રહ્યો છે. ગઈકાલે દેશમાં કોરોનાના કેસમાં 37,572નો ઘટાડો થયો હતો.