ઈન્દોરઃ ડૉક્ટરો સાથે મારપીટનો આરોપી નીકળ્યો કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને કરાયા આઈસોલેટ
ઈન્દોરના ચંદન નગરમાં ડોક્ટરોની ટીમ પર પથ્થરમારો કરવાનો જાવેદ પર આરોપ લાગ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
ઈન્દોરઃ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ડોક્ટરો પર હુમલાના મામલે કથિત રીતે સામેલ જાવેદ ખાનનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને જિલ્લા હોસ્પિટલમાં આઈસોલેટ કરવામાં આવ્યો છે. જાવેદ ખાનને કર્મચારીઓ પર હુમલો કરવાના આરોપમાં રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે.
જાવેદ ખાને અન્ય ત્રણ લોકોની સાથે મળીને ડોક્ટરો પર હુમલો કર્યો હતો. ધરપકડ બાદ તેને ઉબલપુર જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. જાવેદનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જેલમાં સંક્રમણનો ખતરો વધી ગયો છે.
આ ઉપરાંત જાવેદને લઈને આવેલા પોલીસ જવાનો પર કોરોના પોઝિટિવનો ખતરો ઉભો થયો છે. જાવેદના સંપર્કમાં આવેલા તમામ લોકોને આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે.
ઈન્દોરના ચંદન નગરમાં ડોક્ટરોની ટીમ પર પથ્થરમારો કરવાનો જાવેદ પર આરોપ લાગ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ જાવેદ અને તેના માણસો લોકડાઉનનું ઉલ્લંઘન કરતા હતા. ધરપકડ બાજ કલેકટરે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરતાં રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન હેઠળ કેસ નોંધ્યો હતો.
કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દેશમાં સતત વધી રહી છે. અત્યાર સુધીમાં કોરોનાથી 7447 લોકો સંક્રમિત થયા છે. આ વાયરસે 239 લોકોનો ભોગ લીધો છે. જ્યારે 642 લોકો તેમાંથી સાજા થઈ ગયા છે.