BBC IT Raid LIVE: BBCની દિલ્હી-મુંબઈ ઓફિસ પર આઈટીના દરોડા, કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ
BBC IT Raid LIVE Updates: ઓફિસમાં હાજર તમામ કર્મચારીઓને ફોનનો ઉપયોગ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. તમામ કર્મચારીઓને એક જ રૂમમાં રાખવામાં આવ્યા છે.

Background
BBC IT Raid LIVE Updates: આવકવેરા વિભાગ દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસો પર દરોડા પાડી રહ્યું છે. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે આવકવેરા વિભાગની ટીમ હજુ પણ બીબીસી ઓફિસમાં છે અને દરોડાની પ્રક્રિયા ચાલી રહી છે. આઈટી વિભાગના અધિકારીઓ બીબીસી ઓફિસમાં પેપરો તપાસી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે ઓફિસમાં હાજર તમામ કર્મચારીઓને ફોનનો ઉપયોગ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. તમામ કર્મચારીઓને એક જ રૂમમાં રાખવામાં આવ્યા છે. મુંબઈમાં બીબીસી ઓફિસમાં કોઈનો સંપર્ક થઈ શકતો નથી. જો કે, હજુ સુધી આ દરોડાને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જોકે આઈટી સૂત્રોના જણાવ્યા અનુસાર આ એક સર્વે છે.
તાજેતરમાં બીબીસી તેની એક વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીને લઈને ખૂબ ચર્ચામાં હતી. બીબીસી ડોક્યુમેન્ટ્રીને લઈને સમગ્ર દેશમાં હોબાળો થયો હતો. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટ્રીને પ્રોપગેન્ડા પીસ ગણાવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ડોક્યુમેન્ટરી એકતરફી પરિપ્રેક્ષ્ય દર્શાવે છે, જેના કારણે સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, સરકારના પ્રતિબંધ છતાં, ઘણી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં તેનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આને લઈને દિલ્હીની જેએનયુમાં ભારે હોબાળો થયો હતો.
બીબીસી એ લંડન સ્થિત મીડિયા આઉટલેટ છે જે ભારતમાં ઘણા વર્ષોથી પત્રકારત્વ કરે છે. તાજેતરમાં, બીબીસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત રમખાણો (2002) પર એક ડોક્યુમેન્ટ્રી રજૂ કરી હતી, જેના પર ભારત સરકારે સખત વાંધો ઉઠાવ્યો હતો.
એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાનું નિવેદન
એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે EGI BBC ઈન્ડિયાની ઑફિસમાં હાથ ધરવામાં આવેલા IT "સર્વે" વિશે ખૂબ જ ચિંતિત છે. ટીકા કરતી સમાચાર સંસ્થાઓને ડરાવવા અને હેરાન કરવાના સરકારી એજન્સીઓના સતત વલણથી તેઓ પણ પરેશાન છે.
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે શું કહ્યું
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિહે કહ્યું, મને લાગે છે કે બીબીસીના 100 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે માત્ર ગુજરાત પર એક ડોક્યુમેન્ટ્રી બનાવવા માટે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં તમામ બાજુઓ દર્શાવવામાં આવી હતી. શું આ પીએમ મોદીની આંતરરાષ્ટ્રીય છબી પર કલંક નહીં લાગે?





















