Bihar New Government: બિહારમાં ફરીથી મહાગઠબંધનની સરકાર, 8મી વખત CM બનશે નીતિશ કુમાર
પટનાઃ મંગળવારે દિવસભર ચાલેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે એ નક્કી થયું કે બિહારમાં ફરી એકવાર મહાગઠબંધનની સરકાર બનશે
Bihar New Government: મંગળવારે દિવસભર ચાલેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે એ નક્કી થયું કે બિહારમાં ફરી એકવાર મહાગઠબંધનની સરકાર બનશે અને બુધવારે નીતિશ કુમાર 8મી વખત સીએમ તરીકે શપથ લેશે. બુધવારે બપોરે 2 વાગ્યે શપથગ્રહણ સમારોહ યોજાનાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બનશે. મંગળવારે, નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ અને મહાગઠબંધનના નેતાઓએ બિહારમાં નવી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. રાજ્યપાલને સોંપવામાં આવેલા પત્રમાં 164 ધારાસભ્યોનું સમર્થન છે.
બિહારની રાજકીય ગલીઓમાં શું થવાનું છે તે સવાર સુધી કોઈને ખબર નહોતી. માત્ર એટલી જ માહિતી હતી કે, સવારે 11 વાગ્યે આરજેડી અને જેડીયુની ખાસ બેઠક યોજાવાની છે. આના બે દિવસ પહેલા જ બિહારમાં રાજકીય ઉથલપાથલ થવાની પુરી શક્યતાઓ હતી. આજે મંગળવારે સવારે 11 વાગ્યે આરજેડી અને જેડીયુની બેઠક યોજાઈ હતી. બપોરે સ્પષ્ટ થઈ ગયું કે નીતિશ કુમારે NDAએ છોડી દીધું છે અને ભાજપ સાથેનો છેડો ફાડ્યો છે.
નીતિશ કુમારે રાજીનામું આપ્યું
આ બેઠક બાદ નીતિશ કુમારે રાજીનામું આપી દીધું હતું. રાજભવન પાસેથી 12.30 થી 1 વાગ્યાનો સમય માંગવામાં આવ્યો હતો પરંતુ મળ્યો ન હતો. આ પછી લગભગ 4 વાગ્યે નીતિશ કુમારે પોતાનું રાજીનામું બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણને આપી દીધું હતું. નીતિશ કુમારે મીડિયામાં આવીને કહ્યું હતું કે, "એનડીએ સાથે કામ કરવું શક્ય નથી."
નીતિશ મહાગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા
મહાગઠબંધને નીતિશ કુમારને તેના નેતા તરીકે પસંદ કર્યા છે. મહાગઠબંધનમાં જોડાયેલા પક્ષોના નેતાઓ સાથે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી નીતિશ કુમાર આરજેડી નેતા તેજસ્વી યાદવ સાથે સરકાર બનાવવાનો દાવો કરવા રાજભવન ગયા હતા. નીતિશે રાજ્યપાલને 164 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો હતો. આ ધારાસભ્યોમાં જેડીયુના 45, આરજેડીના 79, ડાબેરીઓના 16, કોંગ્રેસના 19, એક અપક્ષ અને હિન્દુસ્તાની આવામ મોરચા (હમ)ના 4 ધારાસભ્યોનો સમાવેશ થાય છે.