Bihar : તોફાન અને કરા પડવાથી 34 લોકોના મોત, પીએમ મોદી અને ગૃહપ્રધાન શાહે દુઃખ વ્યકત કર્યું
Hailstorm In Bihar : બિહારમાં ભારે તોફાન અને કરા પડવાથી 34 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ મામલે શોક વ્યક્ત કર્યો છે.
Bihar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બિહારમાં તોફાન અને કરા પાડવાના કારણે 34 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ગુરુવારે બપોરે આવેલા તોફાન સંબંધિત ઘટનાઓમાં કુલ 34 લોકોના મોત થયા છે. દરેક મૃતકના પરિજનોને 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરવામાં આવી છે.
લોકોના મૃત્યુ પર, વડાપ્રધાને ટ્વિટ કરીને ઊંડો શોક વ્યક્ત કર્યો, તેમજ શોકગ્રસ્ત પરિવારો માટે પ્રાર્થના કરી અને રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલા રાહત અને બચાવ કાર્ય પર સંતોષ વ્યક્ત કર્યો. સાથે જ અમિત શાહે પણ ટ્વીટ કરીને લોકોના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
बिहार के कई जिलों में आंधी एवं बिजली गिरने की घटनाओं में कई लोगों की मृत्यु से अत्यंत दुख हुआ है। ईश्वर शोक-संतप्त परिवारों को इस अपार दुख को सहने की शक्ति दे। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन राहत और बचाव कार्य में तत्परता से जुटा है।
— Narendra Modi (@narendramodi) May 20, 2022
અમિત શાહે શોક વ્યક્ત કર્યો
તેમણે લખ્યું છે કે બિહારના અલગ-અલગ જિલ્લાઓમાં જોરદાર તોફાન અને વીજળીના કારણે જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. આ કુદરતી આફતને કારણે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે ખંતપૂર્વક રોકાયેલું છે.
16 જિલ્લામાં લોકોના મોત થયા
રાજ્યના 38 માંથી 16 જિલ્લામાં લોકોના મોત થયા છે. ભાગલપુરમાં સૌથી વધુ સાત લોકોના મોત થયા છે. આ પછી મુઝફ્ફરપુરમાં 6, સારણ અને લખીસરાયમાં ત્રણ-ત્રણ અને મુંગેર અને સમસ્તીપુરમાં બે-બે લોકોના મોત થયા છે. આ સિવાય નાલંદા, બેગુસરાય, ખગરિયા, જમુઈ, કટિહાર, અરરિયા, જહાનાબાદ, પૂર્ણિયા, દરભંગા અને બાંકા જિલ્લામાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.
બિહારના નાયબ મુખ્યમંત્રી રેણુ દેવીનું નિવેદન
બિહારમાં તોફાન અને અતિવૃષ્ટિને કારણે 34 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 3 પશુઓના પણ મોત થયા હતા. આપત્તિમાં સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવે છે, જે અત્યાર સુધીમાં 16 લોકોને આપવામાં આવી છે અને બાકીની રકમ પણ ટૂંક સમયમાં આપવામાં આવશે.