ભાજપની દાનથી ધમધોકાર કમાણી: 2024માં 4340 કરોડ એકત્ર કર્યા, જાણો કોંગ્રેસ અને AAP ને કેટલા મળ્યા?
ADR રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય પક્ષોમાં ભાજપ સૌથી ધનિક, ચૂંટણી બોન્ડ આવકનો મુખ્ય સ્ત્રોત.

BJP income ADR report: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નાણાકીય વર્ષ 2023-24માં દેશના તમામ રાષ્ટ્રીય પક્ષોમાં દાન અને યોગદાન દ્વારા સૌથી વધુ કમાણી કરનાર પક્ષ બન્યો છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા સોમવારે જાહેર કરાયેલા એક રિપોર્ટ અનુસાર, ભાજપે આ સમયગાળા દરમિયાન રૂપિયા 4,340.47 કરોડની આવક જાહેર કરી છે, જે તમામ રાષ્ટ્રીય પક્ષોની કુલ આવકના 74.57 ટકા છે.
ADRના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ભાજપે તેની કુલ આવકના માત્ર 50.96 ટકા, એટલે કે રૂ. 2,211.69 કરોડનો ખર્ચ કર્યો હતો. જ્યારે, કોંગ્રેસની કુલ આવક રૂ. 1,225.12 કરોડ રહી, જેમાંથી પક્ષે રૂ. 1,025.25 કરોડનો ખર્ચ કર્યો, જે તેની કુલ આવકના 83.69 ટકા છે.
ચૂંટણી બોન્ડ આવકનો મુખ્ય સ્ત્રોત
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય રાજકીય પક્ષોની આવકનો મુખ્ય સ્ત્રોત ચૂંટણી બોન્ડ દ્વારા મળતું દાન છે. આ મામલે પણ ભાજપ સૌથી આગળ રહ્યું છે. ભાજપને ચૂંટણી બોન્ડ દ્વારા રૂ. 1,685.63 કરોડનું દાન મળ્યું છે, જ્યારે કોંગ્રેસને રૂ. 828.36 કરોડ અને આમ આદમી પાર્ટી (AAP)ને રૂ. 10.15 કરોડનું દાન મળ્યું છે. આ ત્રણ પક્ષોએ ચૂંટણી બોન્ડ યોજના દ્વારા કુલ રૂ. 2,524.1361 કરોડ એકત્ર કર્યા છે, જે તેમની કુલ આવકના 43.36 ટકા છે. જો કે, સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે મે મહિનામાં આ યોજનાને 'ગેરબંધારણીય' ગણાવીને રદ કરી દીધી હતી.
RTI દ્વારા ખુલાસો
ADR દ્વારા દાખલ કરવામાં આવેલી RTI અરજીના જવાબમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2023-24માં વિવિધ રાજકીય પક્ષો દ્વારા રૂ. 4,507.56 કરોડના ચૂંટણી બોન્ડને રોકડમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા. જેમાં રાષ્ટ્રીય પક્ષોનો હિસ્સો 55.99 ટકા એટલે કે રૂ. 2,524.1361 કરોડ હતો.
ખર્ચમાં કોંગ્રેસ મોખરે
રિપોર્ટ અનુસાર, કોંગ્રેસે ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓ પર સૌથી વધુ રૂ. 619.67 કરોડ ખર્ચ્યા છે, ત્યારબાદ વહીવટી અને સામાન્ય ખર્ચમાં રૂ. 340.702 કરોડનો ખર્ચ કર્યો છે. જ્યારે, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ) એ વહીવટી અને સામાન્ય ખર્ચ પર રૂ. 56.29 કરોડ અને કર્મચારી ખર્ચ પર રૂ. 47.57 કરોડ ખર્ચ્યા છે.
દાન અને કૂપન વેચાણ
રાષ્ટ્રીય રાજકીય પક્ષોમાં, 6 પક્ષોએ દાન અને યોગદાનમાંથી કુલ રૂ. 2,669.87 કરોડની આવક દર્શાવી છે. આ છ પક્ષોમાંથી, ફક્ત કોંગ્રેસ (રૂ. 58.56 કરોડ) અને સીપીઆઈ(એમ) (રૂ. 11.32 કરોડ) એ કૂપનના વેચાણમાંથી કુલ રૂ. 69.88 કરોડની આવક જાહેર કરી છે.
ઓડિટ રિપોર્ટમાં વિલંબ
રિપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે, સીપીઆઈ(એમ), કોંગ્રેસ અને ભાજપ દ્વારા તેમના ઓડિટ રિપોર્ટ 12 થી 66 દિવસના વિલંબ સાથે રજૂ કરવામાં આવ્યા હતા.
ADRના રિપોર્ટમાં તારણ કાઢવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય પક્ષો દ્વારા સૌથી વધુ ખર્ચ ચૂંટણી અને વહીવટી કાર્યો પાછળ કરવામાં આવે છે. આ આંકડા રાજકીય પક્ષોની આવક અને ખર્ચની રીતોને સમજવામાં મદદરૂપ થાય છે.
આ પણ વાંચો....





















